અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થવાની શક્યતા છે. એને કારણે તમામ રાજકીય પક્ષોની ગતિવિધિઓ સતત વધી રહી છે.
સરકારી તંત્રએ મતદારોને આકર્ષવા માટે તો રાજકીય પક્ષોએ પોતપોતાના કાર્યકર્તાઓને સક્રિય કરવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે.
ચૂંટણી પંચ અને ચૂંટણીની કામગીરીઓ સાથે સંકળાયેલા સરકારી વિભાગો પણ સક્રિય થઇ ગયા છે.
વિધાનસભા ચૂંટણી-2022 પૂર્વે મતદાર જાગૃતિના કાર્યક્રમોના બેનર્સ, હોર્ડિંગ્સ અને વિવિધ માધ્યમોમાં જાહેરાતો શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ ગયા સપ્ટેમ્બર મહિનાથી શાળાઓનાં શિક્ષકો, આચાર્યો સહિત સરકારી કર્મચારીઓને દરેક મતવિભાગમાં EVM & VVPAT નિદર્શનની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિધાનસભા મતવિભાગે લીમડાના વૃક્ષોની વચ્ચે ઉભા કરાયેલા EVM & VVPAT નિદર્શન કેન્દ્રમાં મતદાન, ચૂંટણી-કાર્ડ અને ચૂંટણી પ્રક્રિયાની જાણકારી મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો મુલાકાત લઇ રહ્યા છે.
વોટિંગ મશીન અને ચૂંટણી પ્રક્રિયાની જાણકારી લોકો સુધી પહોંચાડવાની કામગીરીમાં જોડાયેલા આચાર્ય કીર્તિ પંચાલ ‘ચિત્રલેખા.કોમ’ને કહે છે, મતદારોને માહિતગાર કરવાના અનેક કાર્યક્રમોનું આયોજન દરેક ચૂંટણી વખતે કરવામાં આવે છે. જેમ કે, કેવી રીતે મતદાન કરવું?, વીવીપેટ શું છે?, ઇલેક્શન કાર્ડ મેળવવાની સુધારણાની પ્રક્રિયા શું? વગેરે.
આ વખતે પણ ચૂંટણી સાથે સંકળાયેલા સરકારી વિભાગોનાં કર્મચારીઓ મતદાર જાગૃતિ ઝુંબેશ અને નિદર્શનમાં અથાગ મહેનત કરી રહ્યાં છે.
શૈક્ષણિક સંસ્થાઓમાં જઇ નિદર્શન કરે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે દરેક વિધાનસભા વિસ્તારમાં જાહેર માર્ગ પર જ્યાં સૌથી વધારે અવરજવર હોય એવી જગ્યાએ ઉભા રહી EVM & VVPAT નું તેઓ નિદર્શન કરે છે. રાહદારીઓ અને વાહનચાલકોને ઉભાં રાખી મતદાન પ્રક્રિયા વિશે એમને માહિતગાર કરે છે.
આ વખતની ચૂંટણીમાં વધુ મતદાન થાય એ માટે સરકાર ભારે મથામણ કરી રહી છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)