રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ અટેકથી આઠ યુવકોનાં મોત

અમદાવાદઃ રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે. 20થી 40 વર્ષના યુવાનો સૌથી વધુ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. ત્યારે ગરબા રમતા હાર્ટ એટેકથી મોત થયું હોય તેવી વધુ એક ઘટના બની છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં જ 8 લોકોએ જીવ ગુમાવ્યાં છે.

અમદાવાદના હાથીજણમાં ગરબે ઘૂમતા 28 વર્ષના યુવકનું હાર્ટ અટેકને કારણે મોત થયું હતું. અમદાવાદમાં નાની વયે હાર્ટ અટેકથી વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે. યુવકને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તે ઢળી પડ્યો હતો, યુવકને તાબડતોડ હોસ્પિટલમાં પહોંચાડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જો કે સારવાર મળે પહેલા  જ દુર્ભાગ્યવશ તેમનું મોત થયું હતું.

રાજકોટમાં ત્રણનાં મોત

રાજકોટના ધોરાજીના ભાદર બે ડેમના પાટિયામાં સમારકામ કરતાં શ્રમિક યુવકનું હાર્ટ અટેકને કારણે નિધન થયું છે. આ યુવક ઉત્તર પ્રદેશના ફતેપુર જિલ્લાનો વતની હોવાનું સામે આવ્યું છે. આશુ કુમાર દિનેશભાઈ સોનકાર નામના 28 વર્ષીય ડેમના પાટિયા સમારકામ કામ કરતી વખતે અચાનક ઢળી પડ્યો હતો. રાજકોટ પોપટપરા મધ્યસ્થ જેલમાં ચાલુ ફરજ દરમિયાન એટેક આવતા સવાઈસિંહ હાલાજી સોઢા નામના જવાનનું મૃત્યુ થયું છે. રાજકોટમાં હાર્ટ એકેટના કારણે બિલ્ડરનું મોત થયું છે. રૈયા રોડ પર આવેલા અમૃતા પાર્ક સોસાયટીમાં નિવાસસ્થાને જયેશ ઝાલાવડિયા નામના બિલ્ડરનો હાર્ટ અટેકે ભોગ લીધો.

ગરબે ઘૂમતા યુવકનું મોત

ખેડાના કપડવંજમાં છઠ્ઠા નોરતે ગરબે ઘૂમતા યુવકનું મોત થયું છે.  કપડવંજમા વીર શાહ નામનો યુવક ગરબે ઘૂમતો હતો. આ સમયે તેમને અચાનક નાકમાંથી લોહી નીકળતા તેને ત્વરિત હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. જોકે દુર્ભાગ્યવશ તેમની જિંદગી ન બચાવી શકાય. ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો છે, શારીરિક  રીતે સ્વસ્થ 17 વર્ષીય યુવકને હાર્ટએટેકથી મોત થતા પરીવાર સહિત ગ્રામજનો સ્તબ્ધ છે.

હાર્ટઅટેકથી બેનાં મોત

વડોદરામાં છેલ્લા 24 કલાકમાં બે વ્યકિઓનાં હાર્ટ એટેકથી મોત થયા છે. વડોદરામાં માંજલપુર વિસ્તારમાં રહેતા 35 વર્ષીય જગદીશ પરમારનું હાર્ટ એટેકથી મોત થયું છે. ચાલુ રિક્ષામાં હાર્ટ એટેક આવતા સારવાર દરમ્યાન મોત થયું છે અને બીજું મોત  હરણી વિસ્તારમાં રહેતા શંકર રાણાનું હાર્ટ એટેકથી મોત થયું છે. શંકર રાણા ગરબાની મોજ માણી રહ્યો હતો, એ ગરબે ઘૂમતા તે અચાનક ઢળી પડ્યો હતો. તે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતા.

દ્વારકામાં હૃદયરોગના હુમલાએ વધુ એકનો ભોગ લીધો છે. ખંભાળિયાના મોટા આંબલા ગામે આતિમભાઈ બસીરભાઈ સંઘાર નામના 31 વર્ષના યુવાન ખાનગી કંપનીમાં કામ કરી રહ્યા હતા, તે દરમિયાન હાર્ટ એટેક આવતાં તેનું મોત થયું હતું.