લોસ એન્જેલીસઃ અમેરિકાના આ શહેરમાં વસવાટ કરતાં દક્ષિણ એશિયાના ઉદ્યોગકારોને દર વર્ષે સાઉથ ઍશિયન બિઝનેસ ઍવોર્ડ નેશનવાઇડ (SABAN)થી સમ્માનિત કરવામાં આવે છે. ‘સાબાન’ દ્વારા બિઝનેસની સાથે સાથે સામાજિક સેવા ક્ષેત્રે પ્રદાન કરનારાઓની પસંદગી કરવામાં આવે છે. સાબાન-૨૦૨૧ ઍવોર્ડમાં આ વખતે મૂળ ગુજરાતીઓનો દબદબો રહ્યો છે. આ વર્ષે સેરિટોઝની સેરિટોન હોટલ ખાતે સમ્માન સમારોહનું આયોજન કરાયું હતું. જે આઠ વ્યક્તિઓનું સમ્માન કરાયું છે એમાં બે મૂળ ગુજરાતી છે – યોગી પટેલ અને પરિમલ શાહ. યોગી પટેલ લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના સ્થાપક અને ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના પ્રેસિડન્ટ યોગી પટેલ છે અને હોટેલ બિઝનેસમાં પ્રવૃત છે. પરિમલ શાહ પણ ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના ચેરમેન છે અને બેન્કિંગ ક્ષેત્રે કાર્યરત છે. આ ઉપરાંત મૂળ ભારતીય અને જ્વેલરી ક્ષેત્રના કાવેરીનાથન, મહેમુદખાન, ફૈઝલ મોઝુમ્બર, રામશંકર તહસીલદાર (રામબાબુ) તથા મુર્તુઝા રાહીનો સમાવેશ થાય છે. તમામ એવોર્ડવિજેતાઓનું ઓરેન્જ કાઉન્ટીનાં કાઉન્સિલ વૂમન કીન યાન, ‘સાબાન’ ઍવોર્ડના ચેરમેન રણજીત શિવા, ઍક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર મોહમ્મદ ઇસ્લામ તથા પ્રકાશ પંચોળીના હસ્તે ઍવોર્ડ આપી સમ્માન કરાયું હતું.
‘સાબાન’ના ચેરમેન રણજીત શિવાને ઍમના ટૂંકા સંબોધનમાં સૌ ઍવોર્ડીઝને અભિનંદન આપ્યા હતા. અમેરિકામાં બિઝનેસક્ષેત્રે દક્ષિણ ઍશિયાના મૂળ લોકોના યોગદાનને બિરદાવ્યું હતું. મૂળ સુરતના યોગી પટેલે બિઝનેસ અને સામાજિક સેવા ક્ષેત્રે ઍવોર્ડ માટે જણાવ્યું હતું કે, આ મારા માટે ગૌરવની ક્ષણ છે. મને જે સમ્માન મળ્યું છે એનો શ્રેય મારી પત્ની સોનિયા, બાળકો ઋષિ અને સુજાને જાય છે.