અમદાવાદઃ રાજકોટમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પર હાર્ટ એટેકથી 45 વર્ષીય એક શખસનું મોત થયું છે. તે મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો, ત્યારે તેને ગભરામણ થવા લાગી અને જંમીન પર પડી ગયો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જોકે ત્યાં સુધી તેનો જીવ જઈ ચૂક્યો હતો. રાજ્યમાં છેલ્લા દોઢ મહિનામાં હાર્ટ એટેકથી ક્રિકેટ ગ્રાઉન્ડ પર આઠ જણનાં મોત થયાં છે. હાર્ટ એટેકથી રાજ્યમાં 30 દિવસમાં છ યુવાનોનાં મોત થયાં છે. જેમાં પાંચ યુવાનોના ક્રિકેટ રમતાં અને એક યુવાનનું ફૂટબોલ રમતાં સમયે મોત થયું છે. યુવાનોમાં હાર્ટ એટેકની સમસ્યા વધી રહી?
અમદાવાદના ભાડજમાં એક યુવાનનું શનિવારે ક્રિકેટ રમતાં-રમતાં હાર્ટ એટેકથી મોતનો મામલો સામે આવ્યો હતો. આ યુવાનનું નામ વસંત રાઠોડ હોવાનું સામે આવ્યું છે. ભાડજના મેદાનમાં GST ઓફિસર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ટીમ વચ્ચે ક્રિકેટ રમાઈ રહી હતી તે સમયે તે બોલિંગ નાખી રહ્યો હતો તે સમયે તેને હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થયું હતું.
રવિવારે 19 માર્ચે મયૂર મકવાણા નામના યુવકનું મોત થયું છે. રાજકોટથી જ અન્ય એક યુવાનનું 15 ફેબ્રુઆરીએ ક્રિકેટ રમતાં મોત થયું હતું. ડીસાનો એક યુવાન જે રાજકોટમાં તેના ભાણેજના લગ્ન પ્રસંગ માટે આવ્યો હતો, જેનું નામ ભરત બારૈયા છે. જેને ક્રિકેટ રમતા અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થયું હતું.
રાજકોટની ચોથી ઘટનાની વાત કરીએ તો. રવિ વાગડે નામનો યુવક 30 જાન્યુઆરીએ મિત્રો સાથે રેસક્રોસ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા ગયો હતો, જ્યાં ટેનિસનો બોલ તેને છાતીમાં વાગ્યો હતો. તો પણ તેને રમવાનું ચાલુ રાખ્યું હતુ. ત્યારબાદ છાતીમાં દુખાવો ઉપડ્યો અને તેનું મોત થયું હતુ. સુરતથી પણ એક યુવાનનું ક્રિકેટ રમતા મોત થયાના સમાચાર ગયા રવિવારે સામે આવ્યા હતા. કેનેડાથી થોડા દિવસ પહેલા જ સુરત આવ્યો હતો, અને મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો. અહીં છાતીમાં દુખાવો ઉપડ્યો અને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. ડોક્ટરોએ મોતનું કારણ હાર્ટ એટેક કહ્યું હતું.
ઈન્ડિયન હાર્ટ એસોસિયેશનનું કહેવું છે કે ભારતીયોમાં અન્ય દેશોના લોકોની તુલનામાં 33 ટકા વધારે હાર્ટ એટેકની સમસ્યા થાય છે. અનેક રિસર્ચમાં વાત સામે આવી છે કે ભારતીય યુવાનોમાં હાર્ટ એટેકની સમસ્યા સૌથી વધુ છે, અનેક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે ખરાબ જીવનશૈલી, ડાયાબિટિસ, આલ્કોહોલનું વધુપડતું સેવન, સ્મોકિંગ અને હાઇપરટેન્શનને કારણે યુવાનોમાં નાની ઉંમરે યુવાનોમાં હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે.