મહેસાણાઃ મહેસાણા જિલ્લાના નંદાસણ ખાતે મહેસાણા-અમદાવાદ હાઇવે પરના રૂ.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત ઓવરબ્રિજનું નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે ઓવરબ્રિજની સુવિધા થકી લોકોની સુવિધામાં વધારો થયો છે.
નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે ઉમેર્યું હતું છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યનો અવિરત પણે વિકાસ થઇ રહ્યો છે. મહેસાણા જિલ્લામાં રૂ ૬૦૦ કરોડના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિકાસના કામો થવાના છે.માર્ગ અને મકાન વિભાગનું કામ જોડવાનું કામ છે. ભુતકાળમાં ન થયેલ કામો છેલ્લા વર્ષોમાં સરકારમાં થઇ રહ્યા છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના જેવી અનેક વિધ યોજના થકી રસ્તાઓ અને પુલનો કામોના નિર્માણ થયેલ છે. આ ઓવરબ્રિજ જિલ્લા વાસીઓ માટે એક નવલું નજરાણું બની રહ્યું છે.ઓવરબ્રિજની સુવિધાથી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવેલ છે.
નીતિન પટેલે કહ્યું કે કે રાજ્ય સરકાર પ્રજાની સુખાકારી સુવિધા માટે કટિબધ્ધ બની છે તત્કાલીન મુખ્યપ્રધાન અને અત્યારે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલી વણથંભી વિકાસયાત્રા સફળતાપૂર્વક સતત આગળ વધી રહી છે. તેમણે ઉમેર્યુ કે વિકાસ અને સુશાસન માટે સમગ્ર દેશ અને દુનિયાને આદર્શ પ્રેરણા આપી છે.
નીતિનભાઇ પટેલે કહ્યું કે આ સરકાર ગરીબો, વંચિતો, ખેડૂતો, મહિલાઓ, વિદ્યાર્થીઓ સહિત સૌના કલ્યાણ માટે સમર્પિત સરકાર છે. તેમણે જણાવ્યું કે સરકારશ્રીના સંવેદનશીલ અને પારદર્શક અભિગમને લીધે પ્રજા અને સરકાર વચ્ચે વિશ્વાસનો અતુટ સેતુ સ્થપાયો છે. તેમણે કહ્યું કે રસ્તાઓ બનવાથી વિકાસકૂચ ઝડપી બને છે.