નવરાત્રિમાં શક્તિના જુદા જુદા સ્વરૂપનું પૂજન થાય છે. આઠમના દિવસે દુર્ગાષ્ટમીનું મહત્વ નવરાત્રિ દરમિયાન વિશેષ હોય છે. દરેક રાજ્ય, પ્રાંત, સમાજ રિવાજ અને પરંપરા અનુસાર શક્તિની ઉપાસના નવરાત્રિની ઉજવણી કરે છે. ભારતમાં પશ્ચિમ બંગાળ, આસામ,બિહાર,ઝારખંડ, મણિપુર,ઓડિસા અને ત્રિપુરા માં મોટા પ્રમાણમાં લોકો દુર્ગા પૂજાની ઉજવણી કરે છે.
દુર્ગા પૂજાનું પર્વ રાક્ષસ મહિસાસુર ના દેવી દુર્ગા એ કરેલા વધ પછી ને અસુરો પરના વિજયની ઉજવણી ના ભાગ રૂપે મનાવવામાં આવે છે. દુર્ગા પૂજાનું મહત્વ પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે છે. બંગાળ અને બીજા પ્રાંત ના લોકો જે માં દુર્ગા ની પૂજા અર્ચના કરતાં હોય એ તમામ લોકો પંડાલ બનાવી દુર્ગા પૂજા ધામધૂમથી ઉજવે છે.
અમદાવાદ માં પણ જ્યાં જ્યાં બંગાળી સમાજના લોકો વસે છે ત્યાં દુર્ગા પૂજાના પાંડાલમાં દુર્ગા પૂજા માટે લોકો એકત્રિત થાય છે. સાબરમતી બંગાળી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશાળ મંડપમાં શ્રી દુર્ગા પૂજા 2024નું આયોજન કરવામાં આવ્યું છે. નિર્ણનગરમાં સતત દશમાં વર્ષે 9 થી 13 તારીખ સુધી શ્રી શ્રી દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરના સોલા રોડ પર આવેલા પારસ નગર પાસેના મેદાનમાં 32 વર્ષથી કાર્યરત ‘ગ્રેટર અહમદાબાદ બેંગાલ એસોસિએશન ચેરીટેબલ ટ્રસ્ટ ‘ નામના ગૃપ દ્વારા દુર્ગા પૂજાની ભવ્ય ઉજવણી થઈ રહી છે. જેમાં પૂજાની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. આ પંડાલમાં બંગાળી સમાજનાની સાથે અનેક પ્રાંત સમાજના લોકો દુર્ગા પૂજાની ઉજવણીમાં મોટી સંખ્યામાં જોડાય છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)
