આણંદ- નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના ચેરમેન દિલીપ રથે ‘ડેરી પ્રોસેસિંગ એન્ડ ઈનફ્રાસ્ટ્રકચર ફંડ'(DIDF) યોજના અંગેની વર્કશોપનો ડૉ. કુરિયન ઓડિટોરિયમ, એનડીડીબી, આણંદમાં પ્રારંભ કર્યો હતો. રથ દ્વારા DIDF અંગે એક વેબ પેજ પણ બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ડેરી વિકાસ અને પશુપાલન વિભાગના સચિવો, મિલ્ક ફેડરેશન્સના મેનેજીંગ ડિરેકટરો,દૂધ સંઘ/ઉત્પાદક કંપનીઓ સીઈઓ તથા નાબાર્ડ, એનડીડીબી/એનડીડીબીની પેટા કંપનીઓના અધિકારીઓએ હાજરી આપી હતી.
રથે જણાવ્યું કે “આપણે વર્ષ 2021-22માં આઝાદીનાં 75 વર્ષ ઉજવવા તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે ખેડૂતોની આવક બમણી કરવાનો, ડિજિટલ ઈન્ડિયાને આગળ ધપાવવાનો અને સહકારી મંડળીઓમાં અદ્યતન પ્રોસેસિંગ સુવિધા ધરાવતી ઉત્પાદકોની માલિકીની સંસ્થાઓનો વ્યાપ વધારવાનો, ગ્રાહકોને ગુણવત્તાયુક્ત દૂધ પૂરૂં પાડવા તથા દૂધની મૂલ્યવર્ધિત પેદાશોનું ઉત્પાદન અને વેચાણ વધારવાનો હેતુ છે તેમાં ડીઆઈડીએફ ધ્યેય હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા બજાવશે.
કેન્દ્રીય બજેટમાં વર્ષ 2017-18થી 2028-29 સુધીના ગાળા માટે રૂ. 10,881 કરોડના ભંડોળને મંજૂરી આપવામાં આવેલી છે. કુલ ફાળવણીમાંથી નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) માં રૂ. 8004 કરોડનું ભંડોળ રચવામાં આવશે. એનડીડીબી અને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન(NCDC) ને લોન તરીકે રકમ આપવામાં આવશે. ધીરાણ લેનારનું રૂ. 2001 કરોડનું યોગદાન રહેશે. એનડીડીબી/એનસીડીસી દ્વારા રૂ. ૧૨ કરોડ અને ડીએડીએફ દ્વારા રૂ. 864 કરોડ વ્યાજ સહાય તરીકે આપવામાં આવશે.
દૂધ સહકારી મંડળીઓ અને ઉત્પાદક કંપનીઓ ડીઆઈડીએફ યોજનામાંથી ધિરાણ મેળવવા માટે પ્રોજેકટ દરખાસ્તો તૈયાર કરવા માટે કહેવાશે. વર્કશોપમાં યોજનાનાં વિવિધ ઘટકો, અમલીકરણની વ્યવસ્થા, પાત્રતા માટેના માપદંડ, શરતો અને નિયમો, ડીપીઆર તૈયાર કરવા માટેની અને સુપ્રત કરવા માટેની પ્રક્રિયા તથા યોજના હેઠળ મંજૂરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. સહયોગીઓએ જે ચિંતા વ્યક્ત કરી તેના ઉત્તરો આપવામાં આવ્યાં હતાં.