અમદાવાદઃ પોતાને ઢબુડીમાં ગણાવતો અને ધર્મના નામે ધતિંગ કરી જે વ્યક્તિએ અત્યારસુધી અનેક લોકોને છેતર્યા છે તે ધનજી ઓડ આખરે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો છે. ધનજી ઓડે ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન લેવા માટે અરજી કરી હતી, કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી અને પોલીસે ધનજી ઓડના ચાંદખેડા નિવાસ સ્થાને નોટીસ પણ ફટકારી હતી અને ધનજી ઓડને પેથાપુર પોલીસ સ્ટેશનમાં હાજર થવા ફરમાન આપ્યું હતું.
પોલીસે નોટીસ ફટકારી હોવા છતાં ધનજી ઓડ છેલ્લા કેટલાક દિવસથી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જોકે, પોલીસની ભીંસ વધી જતાં આખરે બુધવારે મોડી રાત્રે ધનજી પેથાપુર પોલીસ સ્ટેશન હાજર થયો હતો. ઢોંગી ધનજી ઓડ મોડી રાત્રે એટલા માટે પોલીસ સ્ટેશને હાજર થયો, જેથી તેના કાળા કરતુતો તેનાં ભક્તો સામે ઉઘાડા ન પડી જાય.
ઉલ્લેખનીય છે કે, ધનજી ઓડ છેલ્લા બે વર્ષથી રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ ગાદી બેસાડી પોતે ઢબુડી માતા હોવાની વાત કરી લોકોના દુઃખ દૂર કરવાનો દાવો કરતો હતો. તેના આ ઢોંગી દરબારમાં અનેક પોલીસ કર્મચારીઓ, સરકારી અધિકારીઓ અને નેતાઓ પણ હાજરી આપતા હતા. ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડનો પર્દાફાશ થઈ જતાં તે છેલ્લા કેટલાક દિવસથી ભુગર્ભમાં ઉતરી ગયો હતો.