અમદાવાદઃ અમદાવાદમાં આમ તો એક મોટા શહેરમાં હોય તેવી વ્યસ્ત દોડધામભરી જિંદગીમાં ચોવીસ કલાકની ઘટમાળ પૂરી થઈ જતી હોય છે, જેમાં શહેરીજનોને ભાગ્યેજ શહેરની સુંદરતાને માણવાનો મોકો મળતો હોય છે. ત્યારે હવે ચોમાસું જામ્યું છે અને કાળાડિબાંગ વાદળોથી સમગ્ર આકાશ છવાઇ ગયું છે.ગત રાત્રિથી વહેલી સવાર સુધી સતત ઝરમર ઝરમર વરસાદ વરસતો રહ્યો છે.
વાદળ તારું એક બૂંદ જેની કીમત તને ના, શું ખબર તને કે ચાતકને જિંદગી મળે છે
શહેરના પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ધીમી ધારે અવિરત વરસાદ વરસ્યો હતો જેને લઇને વાતાવરણમાં તો ઠંડક પ્રસરી જ છે સાથે શહેરની શાન સમાં રિવરફ્રન્ટની આહલાદકતા અને સુંદરતાનો નજારો ખૂબ જ ખીલ ઉઠ્યો છે. જે જોઇને કવિહૃદયને કેટલીક પંક્તિઓનું સ્મરણ થઈ જવું સહજ છે.
આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે, હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે
વરસાદી માહોલમાં શહેરની મધ્ય માંથી પસાર થતી સાબરમતીમાં નવી પાણીની આવક થતાં જ ખીલી ઉઠી. હાલ તો કેટલાક સમયથી સાબરમતી નદીમાં મોટાભાગે નર્મદાનું પાણી છોડી બે કાંઠે ભરી દેવામાં આવે છે. પરંતુ ચોમાસાના વરસાદી પાણી અને ઉપરવાસમાં થતા વરસાદ થી ધરોઇ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવે છે.
આ ચોમાસે હજુ ધરોઇ ડેમમાં મોટી માત્રામાં પાણી ની આવક નથી તેમ છતાં સાબરમતીમાં 530 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યુ છે. સાબરમતીમાં નવા પાણીની આવકથી કોર્પોરેશન, પાવર હાઉસ પાણીનો ઉપયોગ કરી શકશે. આ સાથે વાસણા બેરેજના પાણીની સપાટીમાં પણ વધારો થયો છે.
સતત વરસતા ઝરમર વરસાદ અને વાદળોથી ભરેલા આકાશથી સમગ્ર અમદાવાદ શહેરનું વાતાવરણ આહલાદક થઇ ગયું.
ચાલ, વરસાદની મોસમ છે વરસતાં જઈએ, ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં જઈએ
આખોય રિવરફ્રન્ટ નવી જળ સપાટી, લીલોતરીની માવજત અને વરસાદી વાતાવરણથી નયનરમ્ય થતાં જ લોકો ઉમટી રહ્યાં છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)
કાવ્યપંક્તિઓ સાભારઃ કૈલાસ દલાલ, ભરત સૂચક અને હરીન્દ્ર દવે