દાહોદ: ખળખળ વહેતા ઝરણા અને અનન્ય વનસંપદાની કુદરતી ભેટ ધરાવતા દાહોદ જિલ્લાના નયનરમ્ય દ્રશ્યો તો પ્રવાસીઓને આકર્ષે જ છે, સાથે હવે આદિવાસી ખાનપાન સંસ્કૃતિના એક વ્યંજને પણ પ્રવાસીઓને ઘેલું લગાડ્યું છે. આ વ્યંજન છે દાલપાનિયુ. આનંદના પ્રસંગોમાં બનતું આ વ્યંજન આદિવાસી સંસ્કૃતિ સાથે અભિન્ન રીતે જોડાયેલું છે. આજકાલ આ પાનિયુ સ્વાદપ્રિય પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ખાસ કરીને વન પરિભ્રમણ માટે નળધા કેમ્પ સાઇટ ખાતે આવતા પ્રવાસીઓ પાનિયાને ભરપેટ આરોગે છે.
દરેક પ્રદેશ-પ્રાંતની ખાનપાનની આગવી ઓળખ, પરંપરા હોય છે. દાલપાનિયુ એ દાહોદના આદિવાસીઓની સંસ્કૃતિ સાથે જોડાયેલું વિશિષ્ટ વ્યંજન છે. પાનિયુ નામ જેટલું સરળ લાગે છે, એટલી જ તેને તૈયાર કરવાની પ્રક્રિયા જટીલ છતાં સરળ છે.
દાલપાનિયુ બનાવવાની રીત
નળધા કેમ્પ સાઇટ ખાતે ભોજન પ્રબંધ કરતી પરિસરીય પ્રવાસન વિકાસ મંડળી સાથે જોડાયેલા કલ્પેશ ડામોર છેલ્લા ચાર વર્ષથી પાનિયા તૈયાર કરે છે. પાનિયુ બનાવવાની રીત અંગે તે સમજ આપતા કહે છે, પાનિયા બનાવવા માટે દેશી મકાઇના લોટમાં જીરૂ, સ્વાદનુસાર મીઠું અને ખાંડ નાખી તેમાં પાણી અથવા દૂધ નાખી સારી રીતે મસળવામાં આવે છે. લોટ બંધાઇ જાય તે બાદ તેના ગોળ પિંડા કરી ખાખરા કે આંકડાના પાનમાં પિંડાની બંન્ને સાઇડ સારી રીતે ઢંકાઇ જાય એ રીતે બંધ કરી દેવામાં આવે છે.
પાનિયુ બનાવવા બહુધા ખાખરાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. આ પાન જંગલમાં પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. ખાખરાના પાનનો ઉપયોગ કરવાથી તેમાં રહેલા ઔષધીય ગુણો પાનિયામાં આવે છે. આ પાનમાં ઉક્ત પિંડાને મૂકી અડાયા છાણાના ઇંગારા (ભઠ્ઠા) અંદર શેકવામાં આવે છે. ઇંગારામાં ધીમે ધીમે શેકાયા બાદ પાન બળી જાય એ પછી થોડી વાર પાનિયાને ખુલ્લુ કરી શેકવામાં આવે છે. પાનિયામાં આછા લાલ કલરની ઝાંય ન આવે ત્યાં સુધી શેકવામાં આવે છે. આ રીતે તૈયાર થાય છે પાનિયુ. આવી પરંપરાગત પદ્ધતિથી બનતા પાનિયાની સોડમ જઠરાગ્નિને પ્રદીપ્ત કરી દે એવી હોય છે.
પાનિયાને અડદની દાળ સાથે ખાવામાં આવે છે. ફોતરા સાથેની એટલે કે ફાડાની અડદની દાળને મરીમસાલા અને તેજાના સાથે સામાન્ય રીતથી પકાવવામાં આવે છે. પરંતુ, તેમાં લસણનો વિશેષ ઉપયોગ થાય છે. એટલે તે વધુ સ્વાદિષ્ટ બને છે. સાથે, લસણની ચટણી પણ આપવામાં આવે છે. નળધા કેમ્પ સાઇટ ખાતે મોટા ભાગે લીલા લસણની ચટણી બનાવવામાં આવે છે.
પાનિયાને આરોગવાની રીત રાજસ્થાની દાળબાટી જેવી છે. પાનિયાને ચોળી તેમાં ઘી સાથે અડદની દાળ સાથે ચોળી અથવા તો બટકે ચઢાવીને પણ ખાઇ શકાય છે. પ્રકૃત્તિના ખોળે બેસી તેને આરોગવાની લિજ્જત કંઇક ઓર છે. માત્ર બે પાનિયાથી તમારૂ પેટ ભરાઇ જાય ! વળી, પાનિયુ પચવામાં સરળ છે, અડદની દાળ પ્રોટીનથી ભરપૂર હોવાથી આરોગ્ય માટે હિતકારી છે.
એક વાતનું ચોક્કસ અનુમાન લગાવી શકાય કે, પર્ણમાં બાંધીને બનાવવામાં આવતું હોવાથી આ વ્યંજનનું નામ પાનિયુ પડ્યું હશે. આ પ્રદેશમાં મકાઇ અને અડદની સરળ ઉપલબ્ધતાને કારણે સદીઓથી આદિવાસીઓ ખાસ પ્રસંગોમાં દાલપાનિયા બનાવે છે. નળધા કેમ્પ સાઇટ ખાતે કામ કરતા શંકરભાઇ પુવાર કહે છે, અહીં આવતા પ્રવાસીઓ પાનિયા ખાવાની જ માંગ કરતા હોય છે. આદિવાસી વ્યંજન જમવાની ઉત્સુક્તા પ્રવાસીઓમાં હોય છે. શનિવાર-રવિવાર કે રજાના દિવસોમાં અમે ૩૦૦ જેટલા પાનિયા બનાવીએ છીએ. અહીં કેટલાક પ્રવાસીઓ તો સમયાંતરે પાનિયા જમવા આવતા હોય છે. કેટલાક પ્રવાસીઓ તો દાળપાનિયુ ખાવા માટે ખાસ અહીં આવે છે.
આવા જ એક પ્રવાસી અને વ્યવસાયી એચ. આર. પટેલ કહે છે, પાનિયુ આદિવાસી સંસ્કૃતિ સાથે જોડાયેલું વ્યંજન છે. અમે અમારા મિત્રો સાથે અવારનવાર અહીં આવીએ છીએ અને મોજથી દાલપાનિયા આરોગીએ છીએ. એનો સ્વાદ અમને આકર્ષે છે. આમ, દાહોદના આદિવાસી વ્યંજન પાનિયાથી પ્રવાસીઓને આકર્ષે છે. ખાસ કરીને નવિનત્તમ જમવાના શોખીનોએ પાનિયાનો સ્વાદ એક વખત તો જરૂર માણવો જ જોઇએ.
(દર્શન ત્રિવેદી)