પેટા ચૂંટણીમાં અલ્પેશ-ધવલ સિંહ પછડાયા: ભાજપ-કોંગ્રેસને 50-50

અમદાવાદઃ ગુજરાતની છ બેઠકો માટે 21 ઓક્ટોબરે યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ ગયા છે.  ગુજરાતની છ વિધાનસભાની બેઠકોમાંથી ત્રણ પર ભાજપ અને ત્રણ પર કોંગ્રેસનો વિજય થયો છે.

ભાજપની વાત કરીએ તો ભાજપે અમદાવાદની અમરાઇવાડી, ખેરાલુ અને લુણાવાડા બેઠક પર વિજય મેળવ્યો છે. જ્યારે કોગ્રેસે રાધનપુર, બાયડ અને થરાદ બેઠક પર વિજય મેળવ્યો છે.  બાયડ અને રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ રાજીનામું આપતાં ચૂંટણી યોજાઇ હતી. તેઓ ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા. જોકે, તેઓ ચૂંટણી જીતી શક્યા નથી. થરાદ બેઠકની વાત કરીએ તો આ બેઠક પરબત પટેલે સાંસદ બનતા ખાલી કરી હતી. જોકે, આ બેઠક પર કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતનો વિજય થયો છે.

ખેરાલુમાં ભાજપના અજમલજી ઠાકોર 29,026 મતથી જીત્યા છે જ્યારે થરાદ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 6390 મતે જીત્યા હતા. લુણાવાડા બેઠક  પર ભાજપના ઉમેદવારની 12028  મતોથી જીત થઈ છે. આ બેઠક પર ભાજપ તરફથી જીગ્નેશ સેવક મેદાનમાં હતા. જ્યારે કૉંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપી હતી.અમરાઈવાડી બેઠક પરથી ભાજપના ઉમેદવાર જગદીશ પટેલનો 4,000થી વધુ મતની લીડથી વિજય થયો હતો. રાધનપુર પરથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરનો   3814 મતથી પરાજય થયો હતો.

કોંગ્રેસ પક્ષ પરથી વિધાનસભાની સીટ જીતનાર અલ્પેશ ઠાકોરને ગણતરીના મહિનામાં જ રાધનપુરની જનતાએ જાકારો આપ્યો છે. પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા અને રાધનપુરથી સીટ મેળવીને લડનાર અલ્પેશ ઠાકોર 3000 વોટથી હાર્યા છે. તો કોંગ્રેસના રધુ દેસાઈએ જંગી જીત મેળવી છે. અલ્પેશ ઠાકોર પ્રથમ રાઉન્ડથી જ પાછળ ચાલી રહ્યા હતા. ત્યારે હવે ભાજપને પક્ષપલટોની નીતિ ભારે પડી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]