વડોદરાઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યાનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. તેમની લાંબા સમયથી સારવાર ચાલી રહી હતી. તેઓ 71 વર્ષના હતા. જેથી કૃણાલ પંડ્યા સૈયદ મુસ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટ છોડી રવાના થયો છે, જ્યારે હાર્દિક 12.30ની ફ્લાઇટમાં મુંબઈથી આવશે. તેમની અંતિમયાત્રા સાંજે ચાર કલાકે નીકળશે.
હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યા સુરતમાં ફાઇનાન્સનો વેપાર કરતા હતા. હિમાંશુ પંડ્યા ક્રિકેટના મોટા પ્રશંસક હતા, તે હાર્દિક અને કુણાલને સાથે મેચ દેખાડતા હતા અને કેટલીક વખત મેચ માટે સ્ટેડિયમમાં પણ લઇ જતા હતા. અહીથી બન્ને ભાઇઓનો ક્રિકેટમાં રસ જાગ્યો. તેમણે હાર્દિક પંડ્યા અને કુણાલ પંડ્યાને આર્થિક તંગી હોવા છતાં કિરણ મોરેની એકેડમીમાં એડમિશન અપાવ્યું હતું.
હાર્દિકના પરિવારની હાલત પણ કાંઈ ઠીક ન હતી. જોકે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ખરીદાયા બાદ હાર્દિક અને તેના પરિવારનું જીવન બદલાઈ ગયું હતું. એ બાદ તે સતત શાનદાર પ્રદર્શન કરતો રહ્યો અને ભારતીય ટીમમાં જગ્યા બનાવી લીધી છે.