અમદાવાદઃ અંગદાન અને અંગપ્રત્યારોપણ એવા લોકોના જીવનને બદલવામાં અને તેમના ભવિષ્યને ફરીથી ઘડવામાં મદદરૂપ થાય છે, જેઓ ઈશ્વરે બક્ષેલા જીવનને માણી શકતા નથી, પરંતુ જો કોઈ અંગદાતા આમ કરવાનો સહેલો છતાં નિઃસ્વાર્થ નિર્ણય ન લે તો, આ જીવ બચાવનારી પ્રક્રિયા શક્ય બની શકતી નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને કેલોરેક્સ પબ્લિક સ્કૂલ (CPS–ઘાટલોડિયા)એ ‘ફેસબુક વેબિનાર’ મારફતે સમાજમાં ઉમદા અને મૂલ્યવાન બાબતો પ્રત્યે જાગૃતિ ફેલાવવાના તેના પ્રયાસોને ચાલુ રાખ્યા છે અને આ વખતે અંગદાન અંગે વાત કરવામાં આવી હતી. શુક્રવારે ફેસબુક લાઇવ મારફતે આ વેબિનાર યોજવામાં આવ્યો હતો.
આ વેબિનારમાં વક્તા હતા CIMS હોસ્પિટલમાં કાર્યરત ડો. નિરેન ભાવસાર (એમ.ડી. એનેસ્થેસિયોલોજી). તેમણે અંગદાન, અંગપ્રત્યારોપણ અને એનેસ્થેસિયા અંગે માહિતી પૂરી પાડી હતી. CPS ઘાટલોડિયાની વિદ્યાર્થિની અને આ વેબિનારની સંચાલક પ્રાંજલ ભીમપૂરિયાએ અંગદાનની પ્રક્રિયાના નિયમો અને કાયદાઓ અંગે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે કોઈ પણ વસ્તુ દાનમાં આપવા માટે પહેલાં તો એક સારી શાખ અને વિશાળ હૃદય હોવું જરૂરી છે, તેમણે અંગદાતાએ અને અંગદાન મેળવનારી વ્યક્તિએ પ્રત્યારોપણ પહેલાં અને પછી રાખવાની સાવચેતીઓ અંગે પણ વાત કરી હતી.
‘અંગદાન એ એક ઉમદા કાર્ય છે, જે કોઇને નવું જીવન આપી શકે છે અને હું સૌને આમ કરવા માટે પ્રતિજ્ઞા લેવાની વિનંતી કરું છું, એમ તેમણે કહ્યું હતું.