વડોદરા: મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે એટલે કે વિશ્વ માતૃ વંદના દિવસ ઉજવવામાં આવે છે. હાલનું વાતાવરણ કોરોનાના ઓથાર વચ્ચે ડહોળાયેલું છે ત્યારે એક સુખદ ઘટના ગોત્રી ખાતેની વિશેષ કોવિડ હોસ્પિટલમાં જોવા મળી. મધર્સ ડેની પૂર્વ સંધ્યાએ એક કોરોના પીડિત માતાએ એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો છે.
35 વર્ષના માતા અનીશાબેગ શેખ કોરોના પોઝિટિવ તરીકે 7 દિવસથી સારવાર હેઠળ છે. તેમણે 2.7 કિલોગ્રામ વજન ધરાવતા તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો છે. માતા અને પુત્ર બંનેની તબિયત સારી છે અને તેમની યોગ્ય તબીબી સંભાળ લેવામાં આવી રહી છે.
હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે સગર્ભા કોરોના પીડિત હોય તો મોટેભાગે એની શસ્ત્રક્રિયા આધારિત સીઝેરિયન પ્રસૂતિ કરાવવાનો આગ્રહ રાખવામાં આવે છે. જો કે ગોત્રી હોસ્પિટલ ગાયનેક વિભાગના ડો.આશિષના માર્ગદર્શન હેઠળ ડો.અંજલિ અને ડો.અનેરી દ્વારા ધીરજ અને તબીબી કુશળતા, જ્ઞાન અને અનુભવના આધારે કુદરતી પ્રસૂતિ કરાવવામાં સફળતા મેળવી છે. હવે પછી આ બાળકની યોગ્ય સમયે કોરોના વિષયક ચકાસણી પણ કરવામાં આવશે તેમ હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું છે.