ગાંધીનગર- ગુજરાતમાં જળસંચય અને જળસંગ્રહના કામો વધુ વેગવાન બને તે માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને અનેકવિધ નવા આયામો હાથ ધર્યા છે. રાજ્ય સરકાર દ્વારા પાણીનો સંગ્રહ થાય, ભૂગર્ભ જળમાં વધારો થાય તથા જળ સંચય થાય તો પીવાનું પાણી અને ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી સરળતાથી ઉપલબ્ધ થાય તે ઉમદા આશયથી હાથ ધરાનાર વિવિધ કામોમાં રાજ્યની તમામ સહકારી સંસ્થાઓ અને સહકારી બેંકો તેમના અનામત ભંડોળમાંથી રૂપિયા ૧૦ લાખ ફાળો આપી પોતાનું જરૂરી યોગદાન આપી શકશે એમ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જણાવાયું છે.
ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ ૧૯૬૧ અંતર્ગત સહકારી મંડળીઓએ તેના ચોખ્ખા નફાનો ચોથો ભાગ દર વર્ષે અનામત ફંડ ખાતે લઇ જવાનો હોય છે. આ અનામત ફંડ રાજ્યના અથવા સ્થાનિક હિતના એવા કોઈ હેતુ માટે અંશતઃ ઉપયોગ કરી શકાય છે, તે માટે રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી મેળવવી જરૂરી બનતી હોય છે. ચાલુ વર્ષે રાજ્યમાં જળસંચય અને જળસંગ્રહના કામોને ઉત્તેજન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા તળાવો ઊંડા કરવા, જળસંચયના પ્રોજેક્ટો અમલમાં મૂકવા, ખેત તલાવડીઓ બનાવવી તથા આડબંધ બનાવવા સહિતની વિવિધ યોજનાઓથી પાણીનો સંગ્રહ કરવાના પ્રજાલક્ષી કાર્યને વેગ આપ્યો છે. આ કાર્યમાં રાજ્યની સહકારી મંડળીઓ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવીને પોતાનું યોગદાન આપી શકે તે માટે આ મહત્વનો નિર્ણય કરાયો છે. સહકારી મંડળીઓ અને તેમના અનામત ફંડમાંથી ખર્ચ કરતા પહેલાં રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી મેળવવી જરૂરી બનતી હોય છે. જુદી જુદી મંડળીઓ તરફથી અલગ-અલગ દરખાસ્તો રજૂ થવાને કારણે વહીવટી વિલંબ થવાની શક્યતાને ધ્યાને લઈને રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નાયબ સચrવ દ્વારા વહિવટી સરળતાનાં હેતુસર વિશેષ ઠરાવ કરવામાં આવ્યો છે.
રાજ્યની તમામ સહકારી સંસ્થાઓ અને સહકારી બેંકો(નાબાર્ડ/આરબીઆઈની ગાઇડ લાઇન મુજબ નબળી બેંકો સિવાયની બેંકો) તેમની પાસે રહેલા અનામત ફંડના ૨૦ ટકા અથવા રૂપિયા ૧૦ લાખ, એ બેમાંથી જે ઓછું હોય તેટલી રકમ, તેમના રીઝર્વ ફંડમાંથી જળસંચય/જળસંગ્રહ માટે વાપરવા અથવા દાન/ફાળો આપવા માટે તથા જે સહકારી મંડળીઓ ૨૦ ટકા અનામત ભંડોળની મર્યાદામાં રૂપિયા ૧૦ લાખ કરતાં વધારે રકમ આ અભિયાન માટે વાપરવા માંગતી હોય તો કલેકટર મારફતે સહકાર વિભાગને દરખાસ્ત કરવા ગુજરાત સહકારી મંડળી અધિનિયમ હેઠળ મંજૂરી આપવાનો ઠરાવ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આ મંજૂરી નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના ઠરાવ પ્રમાણે જળસંચય/જળસંગ્રહના કામો ચાલુ રહે ત્યાં સુધી જ અમલમાં રહેશે તેમ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જણાવાયું છે.