જૂનાગઢ: બમ બમ ભોલેના નાદ સાથે શિવરાત્રિના કુંભમાં ઉમટ્યાં લાખો ભાવિકો

જૂનાગઢ-  ભવનાથમાં શિવરાત્રિ કુંભ મેળાના બીજા દિવસે અંદાજે 1 લાખ લોકો ઉમટી પડયાં હતાં. તેમાંથી હજારો લોકોએ અન્નક્ષેત્રોમાં ભોજન-પ્રસાદ લીધો હતો. હાલ ભવનાથ ક્ષેત્રમાં રાત પડતાં જ દિવસ ઉગ્યો હોય તેવો માહોલ છવાયો છે. આશ્રમો-જગ્યાઓમાં સંતવાણી-ભજનોની રંગત જામે છે.

ગઇકાલે મહા વદ નોમના ભવનાથ ગિરનાર મંદિરે ધ્વજારોહણ સાથે ગિરનાર શિવરાત્રિ કુંભમેળાનો પ્રારંભ થયો. પ્રથમ દિવસે લોકોની પાંખી સંખ્યા હતી. આજે બીજા દિવસે કુલ એકાદ લાખ લોકો મેળામાં ઉમટી પડયા હતાં. જેમાંથી અનેક લોકોએ અન્નક્ષેત્રોમાં ભોજન પ્રસાદ લીધો હતો. સવારે સ્થાનિક લોકો ઉપરાંત આસપાસના વિસ્તારના લોકો મેળો જાણવા પહોંચ્યા હતાં અને ભવનાથ મહાદેવ તથા રૂદ્રાક્ષથી બનેલા શિવલિંગના તેમ જ નાગા સાધુઓના દર્શન કર્યા હતાં.

આ અગાઉ જૂનાગઢમાં ભવનાથ નજીક મુચકુંદ ગુફા અને મુચકુંદ મહાદેવ તેમજ લક્કડ ભારથી બાપુની સમાધિના પરિસરમાંથી મીન કુંભ મેળા અંતર્ગત સંતોની નગરયાત્રાનો પ્રારંભ થયો હતો.

સાધુસંતોએ વંદનીય મહંતોની ઉપસ્થિતિમાં પૂજન વિધિ કરી હતી. મુચકુંદ મહાદેવ તથા રાધારમણ મંદિર ખાતે પણ પૂજનવિધિ કરવામાં આવી હતી. અને હર હર મહાદેવના નાદ અને જય ગિરનારીના નાદ સાથે સંતો ભવનાથ તરફ નીકળ્યા હતાં.

આ નગરપ્રવેશ સંતયાત્રા ભવનાથ તીર્થના વિવિધ અખાડા ખાતે ધ્વજદંડ ખાતે પહોંચી હતી જ્યાં ભાવિકોએ નગરપ્રવેશ યાત્રામાં સંમલિત સંતોને આવકારી દર્શન પૂજન કર્યા હતાં. પાલખીમાં ઇષ્ટદેવનું પણ પૂજન કરવામાં આવ્યું હતું.