વિવાદોમાં ઘેરાયેલા યુટ્યુબર સમય રૈનાના ગુજરાતના તમામ શો રદ

અમદાવાદ: વિવાદોમાં ઘેરાયેલા યુટ્યુબર સમય રૈનાના અશ્લીલ ટિપ્પણીનો આ વિવાદ ગુજરાત સુધી પંહોચ્યો છે. તેમના ગુજરાતના તમામ શો રદ કરવામાં આવ્યા છે. એક શોમાં અશ્લીલ ટિપ્પણી કરવા બદલ રણવીર અલ્હાબાદિયા અને કોમેડિયન સમય રૈના સામે લોકોમાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો. વિવાદિત નિવેદનને પગલે રણવીર તેમજ સમય રૈના સામે ફરિયાદ નોંધાઈ હતી. વિવાદને પગલે હવે ગુજરાતમાં પણ સમય રૈના અને રણવીરની સખ્ત શબ્દોમાં ટીકા કરતાં કોમેડીના નામ ગંધ ફેલાવનારા આવા શો પર પ્રતિબંધ મૂકવાની લોકો માંગ કરી રહ્યા છે.

આગામી દિવસોમાં ગુજરાતમાં કોમેડીયન સમય રૈનાના શોનું આયોજન કરાયું હતું. અમદાવાદ, સુરત સહિત વડોદરામાં કોમેડીયન સમય રૈના શો કરવાનો હતો. એપ્રિલ મહિનામાં 17થી 20 તારીખ દરમ્યાન વડોદરા, સુરત જેવા વિવિધ શહેરોમાં સમય રૈનાના અનફિલ્ટર શોનું આયોજન કરાયું હતું. એપ્રિલમાં યોજાનાર શોની મોટાભાગની ટિકિટોનું વેચાણ થઈ ગયું છે. વિવાદને પગવે ગુજરાતના તમામ શો રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વડોદરામાં 18 એપ્રિલે સમય રૈનાનો શો યોજાવાનો હતો. યુવાનોએ આ શોનો વિરોધ કરતાં દેશમાં આવા લોકોના શો ન થવા જોઈએ તેવો ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો. યુવાનોએ સરકારને અપીલ કરતાં માંગ કરી કે આવા શો પર પ્રતિબંધ મુકવો જોઈએ અને કોમેડીના નામે ગંદકી ફેલાવનારા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

મહત્વનું છે કે ‘ઇન્ડિયાઝ ગૉટ લૅટન્ટ’માં યુટયુબર રણવીર અલાહાબાદિયા દ્વારા માતાપિતાના સંબંધને લઈને અશ્લીલ ટિપ્પણી મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપ્યું. શોની આ કલીપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં નેટીઝન્સ રણવીરની સાથે શો ના હોસ્ટ સમય રૈનાની ખૂબ ટીકા કરી રહ્યા છે. વિવાદિત નિવેદનને પગલે મનોરંજક શોમાં અશ્લીલ અપશબ્દો બોલાવાને લઈને રણવીર અને સમય રૈના વિરુદ્ધ મુંબઈ પોલીસ કમિશનર અને મહારાષ્ટ્ર મહિલા આયોગમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.