‘ઘરના ઘંટી ચાટે અને પારકાને આટો’: શક્તિસિંહનો રૂપાણીને ટોણો  

અમદાવાદ: કોરોના સંકટ વચ્ચે ચીનમાંથી માઈગ્રેટ થઈ રહેલી વૈશ્વિક બજાર ધરાવતી કંપનીઓને ગુજરાત લાવવા માટે CM રૂપાણી કંપનીઓને અમુક છુટાછાટ સાથે મંજુરી આપી છે. આ સંદર્ભે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે ગુજરાતના નાના ઉદ્યોગકારોની ચિંતા કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને ટોણો માર્યો છે કે, ઘરના ઘંટી ચાટે અને પારકાને આટો.

CM રૂપાણીએ વૈશ્વિક બજાર ધરાવતી મોટી કંપનીઓને માત્ર 21 દિવસમાં મંજૂરી આપી, જમીન ફાળવવાની બાંહેધરી પણ આપી છે. આ ઉપરાંત શ્રમિકોના કાયદામાં પણ ઘણી બધી છુટછાટ અપાઈ છે. CM રૂપાણીએ વૈશ્વિક કંપનીઓને આમંત્રિત કરી ગુજરાતના નાના ઉદ્યોગકારોને ફાયદો ન થવાનો હોવાના મતે શક્તિસિંહ ગોહિલે CM રૂપાણી સામે નિશાન તાક્યું છે.

શક્તિસિંહે કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રીએ આજે વિદેશથી નવા ઉદ્યોગો ગુજરાતમાં આવે તે માટે જાહેરાતો કરી છે તેનાથી ખુબ જ આશ્ચર્ય અને આઘાત લાગ્યો. વિદેશથી આવતી કંપનીઓ શ્રમિકોનું પણ શોષણ કરશે. શ્રમિકોના ત્રણ કાયદાઓમાં છોડી તમામ કાયદાઓમાં છૂટ શ્રમિકો માટે ઘાતક બનશે.

નવા વિદેશથી આવતા ઉદ્યોગો માટે 33,000 હેકટર જમીન અને એ પણ પ્લગ અને પ્રોડ્યૂસ સુવિધા સાથે આપવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે. રાજ્ય સરકારનો આ વિદેશથી આવતા ઉદ્યોગો માટેનો પ્રેમ એ આપણાં ગુજરાત ના ઘરેલું ઉદ્યોગોને પડયા પર પાટું મારવા સમાન બની રહેશે. આ સાથે જ ગુજરાતના ઉદ્યોગો ને તાત્કાલિક  સ્ટિમ્યુલસ પેકેજ આપવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ દ્વારા લાગણી અને માંગણી વ્યક્ત કરવામાં આવી છે.