દિલ્હીથી આવેલા નિષ્ણાતોનો સ્થાનિક તબીબો સાથે પરામર્શ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનો વિસ્ફોટ ચાલુ છે. અહીં 7000થી વધુ કેસ છે. ગુજરાતમાં અમદાવાદ કોરોનાનું કેન્દ્ર બન્યું છે. 300થી વધુ લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. અમદાવાદમાં 5200થી વધુ કેસ સામે આવી ચૂકયા છે. એમ્સ (દિલ્હી)ના ડાયરેકટર ડૉ.રણદીપ ગુલેરિયા અને ડૉ.મનીષ સુરજા અમદાવાદ પહોંચ્યા છે. બંને સિવિલ હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલની મુલાકાત લેશે. ડૉકટર્સને સ્થિતિ કાબૂમાં લેવા માટે ગાઇડ કરશે.

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના 390 નવા કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં સંક્રમણના કેસ વધીને શુક્રવારના રોજ 7403 થઇ ગયા. પ્રમુખ સચિવ (સ્વાસ્થ્ય) જયંતિ રવિએ કહ્યું કે આ દરમ્યાન 24 લોકોના મોતની સાથે મૃતકોની સંખ્યા વધીને 449 થઇ ગઇ છે. તેમણે કહ્યું કે 163 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1872 સંક્રમિત લોકો સ્વસ્થ થઇ ચૂકયા છે. તો 5082 લોકોની હાલ સારવાર ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે, ડૉ.રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે ભારતમાં કોરોના વાયરસ જૂનમાં પોતાની ચરમ પર હશે. તેમણે કહ્યું કે લોકડાઉનનો ફાયદો મળ્યો છે અને લોકડાઉનમાં કોરોનાના કેસ વધુ વધ્યા નથી.