નવી દિલ્હી– નવનિર્વાચિત પક્ષપ્રમુખ રાહુલ ગાંધીના નેતૃત્વમાં દિલ્હીમાં કોંગ્રેસનું ત્રિદિવસીય અધિવેશન શરુ થઇ ગયું છે. ત્યારે લોકસભા 2019ની તૈયારીઓને મુદ્દે ગુજરાતમાં યુવાઓ નહીં પણ પક્ષના એવા જૂના જોગીઓ પર ભારે ભરોસો જતાવતાં બોલાવાયાં છે કે જેઓ ચૂંટણીઓ લડ્યાં નથી, અને લડ્યાં છે તો જીત્યાં નથી. આ મુદ્દે કાર્યકર્તાઓમાં ગણગણાટ છે.કોંગ્રેસ અધિવેશનમાં બોલાવાયા છે તેવા નેતાઓના નામ જોઇએ તો તેમાં વિધાનસભા ચૂંટણીમાં જીતેલાં યુવા ચહેરાઓને ખાસ મહત્ત્વ અપાયેલું જણાતું નથી. લગભગ 90 કાર્યકર આ અધિવેશનમાં ભાગ લેવા દિલ્હી ગયાં છે તેમાંથી 55 એવા લોકો છે જે કદી ચૂંટણી ટિકીટ મેળવી હોય કે છેલ્લાં 10 વર્ષમાં એકેય ચૂંટણી જીત્યાં હોય.એમાં કેટલાક નામ તો એવા છે જે લિસ્ટમાં નામથી જ ઓળખાય છે. નરેશ રાવલને વિધાનસભા ચૂંટણીમાં શહેરી પ્રભારી બનાવાયાં હતાં પરંતુ ચારેય મુખ્ય શહેરોમાં કોંગ્રેસ ખાસ કશું ઉકાળી શકી નથી. કરસનદાસ સોનેરી, હિમાંશુ વ્યાસ, મૌલિન વૈષ્ણ, વિનય દવે જેવા કેટલાક પણ હતાં જેમને ચૂંટણીમાં જવાબદારી સોંપાઇ હતી પરંતુ તેઓ પ્રભાવ ખડો કરી શક્યાં ન હતાં.કાર્યકર્તાઓમાં થતી છાની ચર્ચામાં ઇન્દ્રનીલ રાજ્યગુરુનું નામ મોખરે છે કારણ કે તેઓ સીએમ રુપાણી સામે મેદાનમાં ઉતર્યાં હતાં તેમની ઉપેક્ષા કરવામાં આવી છે. આસિવાય 2014માં નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડનારા નરેન્દ્ર રાવત, સીજે ચાવડા, હેમાંગ વસાવડા, ડૉ. અનિલ જોશીયારા, મૂકેશ પટેલ, નૈષધ દેસાઇ અને સુનીલ જિકારનું નામ પણ દિલ્હી બોલાવાયેલાં નેતાઓમાં નથી. દિલ્હી ગયેલાં પ્રતિનિધિઓની યાદીને લઇને કહેવાઇ રહ્યું છે કે સ્પષ્ટપણે મોટા નેતાઓએ પોતાના નજદીકીઓને મોકલ્યાં છે. પક્ષમાં હાલ ક્વોટા સીસ્ટમ છે અને તે મુજબ જ પદ અને ટિકીટ આપવામાં આવી રહી છે. જાણે એવું લાગે છે કે લોકો તો કોંગ્રેસ ઇચ્છે છે પરંતુ કોંગ્રેસ નેતાઓ કોંગ્રેસ સત્તામાં આવે તેમ નથી ઇચ્છતાં.
પક્ષમાં ગણગણાટને લઇને પ્રદેશ પ્રમુખ ભરત સોલંકી જણાવ્યું હતું કે પ્રતિનિધિઓની પક્ષનિષ્ઠા અને મહેનત અને શિસ્તના આધારે પસંદગી થઇ છે. જે પ્રતિનિધિઓને બોલાવાયં છે તેમાં એવા ઘણાં છે જેમણે ચૂંટણી નથી લડી પણ પક્ષ માટે સારું કામ કરી રહ્યાં છે.