કોંગ્રેસે માછીમારોને સૂંડલામોઢે ‘ચૂંટણી’ વચનોની લહાણી કરી

અમદાવાદઃ રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ સક્રિય થઈ છે. ઉમેદવારોની પસંદગીથી લઈને સંગઠન સુધીની પ્રક્રિયા જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આજે માછીમારો માટે ચૂંટણી વચન આપવામાં આવ્યાં હતાં. કોંગ્રેસ દ્વારા ગુજરાતના માછીમારોને 14 પ્રકારની ગેરંટી આપવામાં આવી હતી. કોંગ્રેસે તેના સંકલ્પપત્રમાં જણાવ્યું હતું કે જો કોંગ્રેસની સરકાર બનશે તો પાકિસ્તાનની જેલમાં ગુજરાતના માછીમારનું મૃત્યુ થશે તો રૂ. 10 લાખ તેમ જ જેલમાં રહે ત્યાં સુધી તેના પરિવારોને રોજના રૂ. 400 રૂપિયાની સહાય આપવામાં આવશે.

કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ અમદાવાદમાં જણાવ્યું હતું કે 27 વર્ષના શાસનમાં માછીમારોના હક ઝૂંટવનારી ભાજપની સરકારને હટાવીને 2022માં કોંગ્રેસ પક્ષની સરકાર બનતાં જ માછીમાર ભાઈઓ માટે 27 વર્ષ પહેલાં અમલમાં રહેલી યોજનાઓ પુનઃ જીવિત કરવાની સાથે ગુજરાતને ફરીથી દેશનું ફિશિંગ હબ બનાવવાની બાંયધરી આપવા માટે 14 સંકલ્પ-ગેરંટીની જાહેરાત કરીએ છીએ.

કોંગ્રેસ નીચે મુજબનો સંકલ્પ પત્ર જાહેર કર્યો હતો.

  • પાકિસ્તાનમાં મૃત્યુ પામેલા માછીમારોના પરિવારને 10 લાખ
  • જો કોઈ માછીમાર પાકિસ્તાન જેલમાં કેદ હોય તો પ્રતિદિન રૂ. 400ની સહાય.
  • રાજ્યમાં નવી જેટ્ટીઓનું નિર્માણ કરવામાં આવશે.
  • બંદરોનો વિકાસ કરાશે, તેમાં નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાશે
  • બોટમાલિકોને 30,000 લિટર ડીઝલ પર સેલ્સ ટેક્સ માફ કરવામાં આવશે.
  •  દરિયા કિનારા વિસ્તારમાં ફિશિંગ કરતી નાની બોટમાં પેટ્રોલનો ઉપયોગને મંજૂરી
  • વાર્ષિક 4000 લિટર પેટ્રોલ તથા જૂની પેન્ડિંગ સબસિડીની ચુકવણી
  • કોંગ્રેસની સરકાર બને તો માછીમારોના તમામ અટકેલા પ્રશ્નો હલ કરાશે
  • માછીમારોની સમસ્યાઓને નિવારણ લાવવા માછીમાર નિગમ રચાશે.