દાંતાઃ અંબાજી મંદિર ટ્રસ્ટની વિવિધ શાખાઓમાં 300 જેટલા કર્મચારીઓ આઉટ સોર્સિંગથી વિવિધ કંપનીઓના કોન્ટ્રાક્ટમાં કામ કરી રહ્યાં છે. ત્યારે આ કર્મચારીઓને પગારમાં પૂરતાં નાણાં અને તેમના હકના પી.એફના નાણાં ન આપી કમિશનની માગણી કરવા, સમયસર પગાર ન આપવા તેમ જ છૂટા કરી દેવાની ધાકધમકી અપાતાં કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓએ શ્રમ આયુક્તમાં લેખિત ફરિયાદ કરી હતી.જેને લઈને જિલ્લા શ્રમ અધિકારી અંબાજી પહોંચ્યાં હતાં.
જોકે આ કર્મચારીઓને શોષણ કરવાની ફરિયાદ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સહિત કુલ 5 એજન્સી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. જેમાં મંદિર ટ્રસ્ટને આઉટ સોર્સિંગથી કામદારો પુરા પાડતી કંપનીઓ (નંબર-1 મસીયા મેઇનપાવર સર્વિસીસ ,મહેસાણા) (નંબર-2 એ.બી.એન્ટરપ્રાઈઝ ,મહેસાણા) (નંબર-3 ડી.બી એન્ટરપ્રાઇઝ ,મહેસાણા) (નંબર-4 ડાયનેમિક રિસોર્સીસ કોન્ટ્રાક્ટર ,અમદાવાદ) કંપનીઓ સામે ફરિયાદ થઈ છે.
આ ફરિયાદ મંદિર ટ્રસ્ટમાં હંગામી ધોરણે કામ કરતા 300 જેટલા કર્મચારીઓ પૈકી 62 કર્મચારીઓ એ નામજોગની લેખિત ફરિયાદ કરી ન્યાયની માગણી કરી છે. જેને લઈ બનાસકાંઠા જિલ્લા શ્રમ અધિકારી પોતાની ટીમ સાથે અંબાજી પહોંચ્યા હતા. અહીંયા મોટી સંખ્યામાં શોષિત કામદારોના નિવેદનો લીધાં હતાં. સાથે શોષણ જેવું ગુનાહિત કૃત્ય કરનાર કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. તો આ સાથે જ લેબરકોર્ટમાં પુરવાર થયેથી લાખો રૂપિયાના દંડની જોગવાઈ હોવાની સાથે આ વિવાદિત એજન્સીઓ ફરીથી ટેન્ડર ન લઈ શકે તેવી વહીવટી પ્રોસેસ કરવાની વાત પણ જિલ્લા શ્રમ અધિકારી ચિંતન ભટ્ટે કરી હતી.
જોકે આ ફરીયાદ કરાતાં મેનપાવર પુરી પાડતી વિવાદીત કંપનીઓ હાલનાં કર્મચારીઓને છૂટા ન કરે તેવી બાબત પણ કામદારોએ મુકતાં શ્રમ અધિકારીએ જણાવ્યુ હતુ કે જો હવે છૂટા કરવાની કે ધાકધમકી અપાશે તો વધુ કડક કાર્યવાહી હાથ ધરાશે. એટલું જ નહીં આ કર્મચારીઓને જે કોન્ટ્રાક્ટ બેઝથી રહેવું પડે છે તેનાં બદલે મંદિર ટ્રસ્ટ પોતે જ કામદારોને હંગામી ધોરણે રાખી સીધેસીધી પગારની ચૂકવણી કરે અને વચેટીયા એજન્સીઓને દૂર કરે તેવી પણ કામદારોની પ્રબળ માગ બની છે.