અમદાવાદ: ગુજરાતમાં કડકડતી ઠંડીનો દોર યથાવત રહ્યો છે ત્યારે હજુ આગમી બે દિવસમાં સમગ્ર રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરામાં ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યના 11 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો છે. જેમાં નલિયા 3.4 ડિગ્રીમાં ઠુંઠવાયું હતું જ્યારે અમદાવાદમાં 10.7 ડિગ્રીએ પારો રહ્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેની આસપાસ તેમજ દક્ષિણ ગુજરાતથી પશ્ચિમ મધ્ય પ્રદેશ સુધી સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીની સૌથી વધુ અસર જોવા મળી શકે છે. હજુ આગામી બે-ત્રણ દિવસ સરેરાશ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. શનિવારે અને રવિવારે રાજકોટ-પોરબંદર-કચ્છ-બનાસકાંઠામાં કાતિલ ઠંડી પડશે. અમદાવાદમાં 23.6 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 4.3 ડિગ્રીનો ઘટાડો જ્યારે 10.7 ડિગ્રી સાથે સામાન્ય કરતાં 1.4 ડિગ્રીનો ઘટાડો થયો હતો. દિવસ દરમ્યાન પણ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. કડકડતી ઠંડીને લીધે જનજીવન પ્રભાવિત થયું હતું. આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદમાં ઠંડીનો પારો 12 થી 14 ડિગ્રીની આસપાસ રહેશે.
નલિયામાં છેલ્લા એક સપ્તાહમાં બીજી વાર ઠંડીનો પારો 4 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. રાજ્યમાં અન્યત્ર કે જ્યાં 10 ડિગ્રીથી ઓછી ઠંડી નોંધાઇ તેમાં નલિયા ઉપરાંત રાજકોટ, કેશોદ, ભૂજ, દીવ, મહુવા, સુરેન્દ્રનગર, પોરબંદર, કંડલા, ગાંધીનગર, વડોદરાનો સમાવેશ થાય છે.
રાજકોટમાં ગુરુવારે 8 ડિગ્રી સાથે સિઝનનું સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું. બીજા જ દિવસે તેનાથી પણ 0.4 ડિગ્રી ઘટાડા સાથે માત્ર સિઝનનું જ નહીં પણ છેલ્લા 23 વર્ષમાં સૌથી ઓછું તાપમાન રાજકોટમાં નોંધાયું હતું. હવામાન વિભાગની નોંધ મુજબ રાજ્યના સૌથી ઠંડા મથક તરીકે નલિયા રહ્યું છે ત્યાં ન્યૂનતમ તાપમાન 3.4 તો મહત્તમ તાપમાન 24.4 ડિગ્રી સેલ્શિયસ રહ્યું હતું. આ સિવાયના શહેરોમાં સૌથી ઓછું તાપમાન રાજકોટમાં નોંધાયું છે જ્યારે અન્ય શહેરોમાં પારો 9 અને 10 ડિગ્રીની આસપાસ જ રહ્યો છે. રાજકોટમાં છેલ્લે 1997માં 7.1 ડિગ્રી સેલ્શિયસ તાપમાન રહ્યું હતું અને ત્યારબાદ 2000માં 8.2 અને 2002માં 7.7 ડિગ્રી સેલ્શિયસ રહ્યું હતું. ત્યારબાદ 8 ડિગ્રી સુધી જ તાપમાન પહોંચ્યું હતું તેનાથી નીચે ગયું ન હતું જેથી ઘણા લાંબા સમય બાદ શહેરવાસીઓને કડકડતી ઠંડીનો અહેસાસ થયો છે.