ગાંધીનગર- ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આજે વિશ્વનું સૌથી ઊંચુ સ્ટેચ્યુ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ ની મુલાકાતે કેવડીયા પહોંચ્યા હતાં. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેમને ગુજરાત સરકાર અને સૌ ગુજરાતીઓ વતી આવકાર્યા હતાં.
વિજય રૂપાણીએ યોગી આદિત્યનાથ સાથે વેલી ઓફ ફલાવર્સ, ટેન્ટ સિટી, સરદાર સાહેબના જીવન કવનના પ્રદર્શન, વોલ ઓફ યુનિટી સહિતના સમગ્ર પરિસરની મુલાકાતમાં સાથે રહીને વિસ્તૃત વિવરણ આપ્યું હતું.
યોગી આદિત્યનાથે સરદાર સાહેબને ભાવાંજલિ આપતાં કહ્યું કે, દેશની એકતા અખંડિતતાના આ શિલ્પીની વિરાટત્તમ પ્રતિમા રાષ્ટ્રની વૈશ્વિક ઓળખ બની છે. વધુમાં તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીએ દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજન અને દ્રઢ સંકલ્પ સાથે સરદાર સાહેબની વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમાનું નિર્માણ કરાવીને સરદાર સાહેબ અને ગુજરાતનું ગૌરવ ઉન્નત કર્યુ છે.
યોગી આદિત્યનાથે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ કે, પ૬ર રજવાડાઓને એક કરીને ભારત વર્ષને એકતાના તાંતણે બાંધનારા સરદાર સાહેબનું આ કાર્ય આવનારા યુગો સુધી યુવા પેઢીને પ્રેરણા આપશે અને રાષ્ટ્રચેતનાનો સંચાર કરશે.
આ ભુમિના સ્થાનિક આદિવાસીઓ માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને વર્લ્ડ કલાસ ટૂરિઝમ સેન્ટર તરીકે વિકસાવીને ટૂરીસ્ટ ગાઇડ તરીકે રોજગાર અવસર પૂરા પાડયા છે તે માટે અભિનંદન પાઠવ્યા હતાં.