ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહમાં વિકાસની રાજનીતિના તથ્યો ફેક્ટ્સ એન્ડ ફિગર સાથે રજૂ કર્યાં હતાં. તેમણે સરકારના જનહિતલક્ષી કામોની પ્રશંસાને આવકારવા સાથે જે સભ્યોએ લોકહિત કાર્યો માટે સૂચનો રજૂ કર્યાં તેને પણ ખુલ્લા મને આવકારવા અને અમલમાં મુકવામાં તેમની સરકાર ખચકાશે નહીં તેમ સ્પષ્ટપણે ઉમેર્યું હતું.
વિજય રૂપાણીએ કહ્યું કે, સરકાર સારી ચાલે છે તેનું મૂલ્યાંકન અર્થતંત્રના વિકાસ અને બજેટની સાઇઝના આધારે નક્કી થતું હોય છે. વિશ્વની પ્રતિષ્ઠિત રેટીંગ એજન્સી ક્રેસિલે તેના તાજેતરમાં આપેલાં અહેવાલનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, વર્ષ ૨૦૧૩ થી ૧૭ના ચાર વર્ષ દરમિયાન ગુજરાતનો વિકાસ દર ૯.૯ ટકાની આસપાસ રહ્યો છે. અને વર્ષ ૨૦૧૭-૧૮માં ગુજરાતની GSDP ૧૧.૧ ટકા ઉપર પહોંચી છે. ક્રેસિલનો અહેવાલ નોંધે છે કે, બીજા ક્રમે આવનાર રાજ્યની સરખામણીમાં ગુજરાતની GSDP ૨૨ ટકા વધુ છે. એટલે કે, મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક, પંજાબ જેવા રાજ્યો GSDPમાં ગુજરાત કરતાં ઘણા પાછળ છે.
ક્રેસિલના અહેવાલ મુજબ ગુજરાતમાં મોંઘવારીનો દર અન્ય રાજ્યની સરખામણીમાં સૌથી ઓછો છે અને ગુજરાત એમ્પ્લોયમેન્ટ ઈન્ટેન્સિવ ક્ષેત્રે વર્ષ ૨૦૧૩થી ૧૮ વચ્ચે સમગ્ર દેશમાં સૌથી આગળ છે. ગુજરાતનો એમ્પ્લોયમેન્ટ ગ્રોથ ૧૧.૫ ટકા જેટલો છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, કેરાલા વગેરે રાજ્યો રોજગારી આપવામાં ગુજરાતથી ઘણાં પાછળ છે.
ગુજરાતને એઈમ્સની ભેટ – વડોદરા, રાજકોટ, સુરત અને અમદાવાદ એમ એક જ રાજ્યના ચાર- ચાર શહેરોને આંતરરાષ્ટ્રીય હવાઈ મથકની ભેટ – ગુજરાતને રૂ. ૨૧,૫૦૦ કરોડ કરતાં વધુ રકમની ઐતિહાસિક રેલવે સુવિધાઓ માટે કેન્દ્ર સરકારે સહાય આપી છે. એટલું જ નહીં, ગઢુલી – સાંતલપુર સરહદી માર્ગ માટે રૂ ૪૦૦ કરોડની ભેટ મળી છે. વર્ષ ૨૦૧૪માં નેશનલ હાઇ-વેની લંબાઇ ૪,૦૪૫ કિલોમીટર હતી જેમાં માત્ર પાંચ જ વર્ષમાં ૯૦ ટકાનો વધારો કરીને ૭,૬૭૨ કિલોમીટરના માર્ગો નેશનલ હાઇ-વે થયા છે.
૧૯૮૦થી ૨૦૧૪ના ૩૪ વર્ષ દરમિયાન માત્ર રૂ. ૧,૨૦૦ કરોડ રકમની ટેકાના ભાવે ખેત ઉત્પાદનોની ખરીદી કરવામાં આવી હતી, જ્યારે આજે છેલ્લા ત્રણ જ વર્ષમાં અમારી ખેડૂતહિતલક્ષી સરકારે રૂ. ૮,૫૦૦ કરોડ જેટલી રકમની ટેકાના ભાવે મગફળી, કપાસ, તુવેર, જુવાર, બાજરી, ડાંગર, કઠોળ જેવા તમામ ખેત ઉત્પાદનોની ખરીદી કરતાં ગુજરાતના ખેડૂતો ખુશહાલ થયા છે.
રાજ્યના અંદાજે ૬ લાખ ૭૪ હજાર ઉપરાંત વીજ ગ્રાહકો પાસેથી વીજ બીલની બાકી નીકળતી રૂ. ૬૯૧ કરોડની રકમ ભરવામાંથી મુક્તિ આ સરકારે આપી છે. જેના પરિણામે ખેડૂતો, ગરીબ અને મધ્યમ વર્ગના વીજ ગ્રાહકોને લાભ મળશે, એમ તેમણે કહ્યું હતું.
આ વર્ષે વરસાદ ઓછો થતાં અછતના કારણે કોઈપણ ખેડૂત, પશુપાલક કે જનસામાન્યને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અમારી સરકારે અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા છે. સામાન્ય રીતે ઓછો વરસાદ પડે ત્યારે અગાઉ જાન્યુઆરી મહિનામાં અછત જાહેર કરવામાં આવતી હોય છે જ્યારે આ સરકારે આ વર્ષે ઓકટોબર મહિનાથી જ કચ્છમાં અછત જાહેર કરવાનો ક્રાંતિકારી નિર્ણય લીધો છે.
૧૨૫ મીલીમીટર કે તેથી ઓછો વરસાદ પડે એવા તાલુકાને જ અસરગ્રસ્ત જાહેર કરવામાં આવતાં. આ વર્ષે ૪૦૦ મીલીમીટર સુધી વરસાદ પડ્યો હોય એવા તમામ તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કરવાનો ક્રાંતિકારી નિર્ણય કર્યો છે.
તેમણે સરકારના ગરીબ કલ્યાણલક્ષી પગલાઓની વિગતો આપતા ઉમેર્યું કે ગરીબ કલ્યાણ મેળાના આઠ ચરણમાં અત્યાર સુધી ૧૩૪૮ ગરીબ કલ્યાણ મેળા યોજીને ૧ કરોડ ૪૦ લાખ ગરીબો, શ્રમિકો, વંચિતોને રૂ. ૧૬,૩૯૧ કરોડની સહાય હાથોહાથ પહોંચાડ્યા છે. નવમા ચરણમાં ૯૫ ગરીબ કલ્યાણ મેળા યોજીને શ્રમિકો, ગરીબોને સ્વનિર્ભર બનાવી ખુમારીપૂર્વક જીવન વ્યતિત કરવાની પરિભાષા આ સરકારે અંકિત કરી છે. રાજ્યના દલિતોને સરકારે ૭.૫ હજાર એકર જેટલી જમીન સાથણી સ્વરૂપે આપવાનું સંવેદનશીલ પગલું ભર્યું છે.
પેટ્રોલ પંપ અને હોટલને લાયસન્સ રાજમાંથી મુક્તિ આપી છે તેમજ એન્ટીકરપ્શન બ્યુરોને ૩૬૦ ડિગ્રીએ ચેન્જ કર્યું છે. અને એટલે જ એસીબીના ક્નવીકશન રેટમાં છેલ્લા એક વર્ષમાં ૯ ટકાનો વધારો નોંધાયો છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ સરકારે સખત પગલાં લીધા છે એનું પ્રમાણ એ છે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધના ગુનાઓ સામેના પગલાંઓમાં ૨૬ ટકા જેટલો વધારો થયો છે. એસીબીને વધુ સક્ષમ બનાવવા સરકારે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો મહત્તમ ઉપયોગ કરીને ગુનેગાર છટકી ન જાય એવી નક્કર વ્યવસ્થા ઊભી કરી છે.
મુખ્યપ્રધાન વિકાસ માર્ગે સંવેદનશીલતાપૂર્વક પારદર્શક રીતે જનહિત માટે નિર્ણયો લઈ પ્રગતિશીલતા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા ગુજરાત અને ગુજરાતીઓના વિકાસની આડે આવતાં કોઈપણ અંતરાયો, મુશ્કેલીઓ, વિરોધોને અતિક્રમીને સાડા છ કરોડ ગુજરાતીઓના વિકાસ માટે અડીખમ ઊભા રહીશું તેવી નેમ વ્યક્ત કરી હતી.