ગાંધીનગર– મુખ્યપ્રધાન વિજય રુપાણીના ઇઝરાયેલ પ્રવાસના અંતિમ તબક્કામાં તેમણે વિશ્વના સૌથી મોટા સોરેક ડિસેલીનેશન પ્લાન્ટસની અદ્યતન ટેકનોલોજીનું નિરીક્ષણ કર્યું હતું.ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં સમૂદ્રકિનારે ડિસેલીનેશન પ્લાન્ટસની સ્થાપના-ક્ષમતા વર્ધન માટે સોરેકની આધુનિક ટેકનોલોજી-અનુભવ જ્ઞાનની સહભાગીતા કરવામાં આવશે તેમ સીએમ રુપાણીએ જણાવ્યું હતું.ગુજરાતમાં જોડીયા નજીક ૧૦૦ એમએલડીનો ડિસેલીનેશન પ્લાન્ટ સ્થાપવાની ગતિવિધિઓ પ્રગતિમાં છે. ઉપરાંત દહેજ સહિત કચ્છ-સૌરાષ્ટ્રના સમૂદ્ર કિનારે આવા ૮ થી ૧૦ જેટલા -૧૦૦ એમ.એલ.ડી.ના પ્લાન્ટ સ્થાપવાના છે. તેની વિગતો પણ સોરેકના તજ્જ્ઞોને આપવામાં આવી હતી.સોરેકનો ડિસેલીનેશન પ્લાન્ટ ઇઝરાયેલની રાજધાની તેલ અવીવથી ૧પ કિ.મી. દૂર ર૦૧૩થી ૪૦૦ મિલીયન યુ.એસ. ડોલરના રોકાણ સાથે કાર્યરત છે. આ પ્લાન્ટ દૈનિક ૬૬૦ એમ.એલ.ડી. સમૂદ્રના ખારા પાણીને ડિસેલીનેશન કરીને મીઠું પીવાલાયક બનાવે છે. સીએમે આ પ્લાન્ટની અદ્યતન ટેકનોલોજીનું નિરીક્ષણ કરતાં કહ્યું કે, ઓછા પાણી સંશાધનો અને વિપરીત ભૌગોલિક પરિસ્થિતી વચ્ચે પણ ઇઝરાયેલે નેચરલ વોટર, રિસાયકલ્ડ વોટર અને ડિસેલીનેશન વોટરથી પાણીની જરૂરિયાતો સંતોષી છે.સોરેકના પ્લાન્ટમાં સમુદ્રના ખારા પાણીને જે રીતે પીવાયુકત મીઠું પાણી બનાવાય છે તેની સમગ્ર પ્રક્રિયાનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યુ હતું અને મીઠા થયેલા પાણીનો તેમણે સ્વયં ટેસ્ટ પણ કર્યો હતો.