અમદાવાદ: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પરની સરદાર સરોવર ડેમ 138 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે. જેને લઈને રાજ્ય સરકાર ઉત્સાહિત છે. ત્યારે નર્મદા ડેમ સંપૂર્ણ ભરવાને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે કે,સરદાર સરોવર ડેમને ભરવોએ આપણો અધિકાર છે.આપણે 138 મીટરની સર્વોચ્ચ સપાટીએ ડેમ ભરી શકીએ છીએ.
નર્મદા ડેમ ભરવા મુદે મધ્ય પ્રદેશ સરકારના વિરોધ કરી રહી છે. જેનો જવાબ આપતા વિજય રૂપાણીએ કહ્યુ કે, મધ્યપ્રદેશ સેંકડો ક્યુસેક પાણી છોડી રહ્યુ છે અને અમે જો ડેમથી આ પાણી વહાવી દઈએ તો, ભરુચના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ શકે છે. ગુજરાત સરકારે મધ્યપ્રદેશ સરકારને પૂરતી રકમ ચૂકવી દીધી હોવા છતાં મધ્યપ્રદેશ સરકારે વિસ્થાપિતોને ખસેડ્યા નથી. આ ઉપરાંત તેમણે નર્મદા ડેમ મુદ્દે ગુજરાત વિરોધી માનસીકતા હોવાનો કોંગ્રેસ સરકાર પર આક્ષેપ લગાવ્યો હતો.
જવાબમાં ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે ચિત્રલેખા.કોમ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, મધ્યપ્રદેશમાં છેલ્લા 15 વર્ષથી ભાજપની સરકાર હતી, કમલનાથની સરકાર આવ્યાને માત્ર 6 મહિના થયાં છે તો સૌ પ્રથમ તો વિજય રૂપાણીએ આંદોલન કરીને ગુજરાતના હિતમાં શિવરાજસિંહ ચૌહાણની સામે ઉપવાસમાં બેસવું જોઈએ. કોંગ્રેસ હમેશા નર્મદાને ગુજરાની જીવાદોરી સમજી અને જીવનમરણ બાજી બનાવી એના માટે કામ કર્યું છે. કોંગ્રેસની સરકારે માત્ર 6 વર્ષમાં નર્મદા ડેમની સપાટી 95 મીટર સુધી બનાવી હતી. કોંગ્રેસ નર્મદાને વધાવનારી પાર્ટી છે જ્યારે ભાજપ નર્મદાને વટાવનાર પાર્ટી છે. નર્મદાના દરવાજા નાખવાનો હુકમ સુપ્રીમ કોર્ટે કરેલો છે પણ ભાજપ સરકાર અમે દરવાજા નાખ્યા છે તેવું વારંવાર કહીને ખોટો જશ લઈ રહી છે. આ મુદ્દે ખોટી રાજનીતિ ન કરવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ ચોમાસાની મોસમમાં નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર 137.43 મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ છે. તેની સાથોસાથ નર્મદા ડેમના 23 દરવાજા 4.15 મીટરે ખુલ્લા નર્મદા નદીમાં 8 લાખ 16 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ડેમ હાલમાં 92.9 ટકા જેટલો ભરાઈ ગયો છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાને કારણે જિલ્લાના 20 જેટલા ગામોને 3 દિવસથી એલર્ટ કરાયાં છે. તો બીજી તરફ 70 વર્ષ બાદ નર્મદા ડેમ છલકાવા જઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર આ ઐતિહાસિક ક્ષણની ઉજવણી માટેની તક ઝડપી લેવા માંગે છે. જેથી સરકારે ઉજવણીની તૈયારીઓ શરુ કરી દીધી છે.