ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદ મહાનગરની ૧૪રમી ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાનો રૂટ, રથ, ભકતજનો, રથયાત્રાળુઓ, સહિતની ગતિવિધિઓનું રીયલ ટાઇમ મોનિટરીંગ સી.એમ. ડેશબોર્ડની કમાન્ડ કંટ્રોલ વોલ મારફતે ગાંધીનગરમાં બેઠાં બેઠાં મુખ્યપ્રધાન નિવાસ સ્થાનેથી કર્યુ હતું.
આધુનિક ટેકનોલોજીનો વિનિયોગ…
આ ૧૪રમી રથયાત્રાને વહેલી સવારે પહિન્દ વિધિ કરીને નગરચર્યાએ ભ્રમણ માટે પ્રસ્થાન કરાવ્યાં બાદ મુખ્યપ્રધાને બપોરે આ યાત્રા કયાં પહોંચી, તેના પહોંચવાનો નિર્ધારીત સમય, સ્થિતિ અને સમગ્ર રૂટનું આકલન સી.એમ. ડેશબોર્ડની અદ્યતન કમાન્ડ કંટ્રોલ વોલ દ્વારા કર્યુ હતું. તેમણે ધાબા પોઇન્ટ, રથ, ભજન મંડળીઓ પર ફોકસ કરાવી ઝૂમ કરાવીને તલસ્પર્શી નિરીક્ષણ પણ કર્યુ હતું.
રૂપાણીએ આ અંગેની વિગતો આપતાં કહ્યું કે, ભગવાન જગન્નાથ દર વર્ષે અષાઢી બીજે રથયાત્રા દ્વારા નગરજનોને દર્શન આપવા જાય છે તે આપણી પરંપરા રહી છે. આ રથયાત્રાના સંકલન- બંદોબસ્ત – મોનિટરીંગમાં સમયાનુકૂલ ટેકનોલોજી સાથેના બદલાવ આપણે કરતાં રહ્યાં છીએ. અંદાજે ૧૯ કિ.મી.ના સમગ્ર રથયાત્રા રૂટ ઉપર શહેર પોલીસ, રાજ્ય સરકાર અને મહાપાલિકાએ સંકલનમાં રહીને ૪પ સ્થળો પર ૯૪ જેટલા હાઇડેન્સીટી કેમેરા ગોઠવ્યાં છે. આના પરિણામે યાત્રાના રથ, ટ્રક સહિતના વાહનો, ભજન મંડળીઓ યાત્રીઓની પ્રત્યેક ગતિવિધિ પર બારીકાઇથી નજર રાખી કયા સમયે રથયાત્રા કયાં છે તે જાણી શકાય છે.
રથયાત્રાની પળેપળની માહિતી અને લોકેશન મળી રહે તે માટે સી.એમ.ડેશબોર્ડ સાથે ત્રિસ્તરીય મોનિટરીંગ કરવામાં આવ્યું છે તેમાં પાલડી ખાતે અમદાવાદ મહાનગરપાલિકાનો કંટ્રોલ એન્ડ કમાન્ડ રૂમ, સરકીટ હાઉસ એનેક્ષી ખાતે રાજ્ય સરકાર – પોલીસનો કંટ્રોલરૂમ જોડાયેલા છે અને બધી જ માહિતી રિયલ ટાઇમ મોનિટરીંગથી મળે છે.
રૂપાણીએ રથયાત્રા તેમજ મંદિર-રથ વગેરેની સંપૂર્ણ ટેકનોલોજીયુકત સુરક્ષા માટે ઇઝરાયેલ ટેકનોલોજીના એન્ટી ડ્રોનનો ઉપયોગ રથયાત્રામાં કરવામાં આવ્યો છે તેની વિગતો આપતાં જણાવ્યું કે આધુનિક ટેકનોલોજી સાથે શ્રેષ્ઠ વ્યવસ્થાઓ ગોઠવી પોલીસ તંત્ર ચુસ્ત બંદોબસ્ત રાખે છે અને રપ૦૦૦ જેટલા પોલીસ-સુરક્ષાકર્મીઓ યાત્રા બંદોબસ્તમાં તહેનાત રહે છે. આ વર્ષે રથયાત્રામાં શ્રદ્ધાળુઓ – ભકતો પણ મોટી સંખ્યામાં જોડાયાં છે ત્યારે આ યાત્રા ઉમંગ – ઉલ્લાસથી સંપન્ન થાય તેવી વ્યવસ્થાઓ રાજ્ય સરકારના અધિકારીઓ-પોલીસતંત્ર અને મહાપાલિકાએ ગોઠવી છે તેને બિરદાવી હતી.