વિકલાંગ ક્વોટામાં IASની નોકરી મેળવનાર અધિકારીઓ પર ચેકિંગ તલવાર..

ગુજરાતના વહીવટી તંત્રમાં ફરી એક વખત મોટી હલચલ જોવા મળી રહી છે. IAS પૂજા ખેડકર કેસ બાદ તંત્ર સફાડું જાગ્યું હોય તેવું લાગી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગુજરાતના પાંચ IAS અધિકારીઓના ફરીથી મેડિકલ ચેકઅપ કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ખોટા વિકલાંગના સર્ટિફિકેટના આધારે સિવિલ સર્વિસમાં ભરતી થયા હોવાના આરોપ હોવાથી, આ મેડિકલ ચેકએપ ફરી કરાવવાના આદેશ આપવામાં આવ્યા છે.

IAS પૂજા ખેડકરની ઘટના બાદ ગુજરાતના પાંત IAS અધિકારીઓના વિકલાંગ સર્ટિફિકેટને લઈ પ્રશ્નો ઉભા થયા છે. એક વરિષ્ઠ અધિકારીએ દ્રષ્ટિહીનતા જ્યારે ત્રણ જુનિયર અધિકારીઓએ તેમના વિકલાંગ સર્ટિફિકેટમાં ‘લોકોમોટિવ ડિસેબિલિટી’ કારણો ટાંક્યા હતા. ગુજરાતમાંથી પાંચ આઈએએસ અધિકારીઓએ ફરીથી તેમનું વિકલાંગ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)એ મહારાષ્ટ્રમાં આઈએએસ અધિકારી પૂજા ખેડકરના કૌભાંડ બાદ ઓલ ઈન્ડિયા સર્વિસિઝના તમામ અધિકારીઓને ફરીથી મેડિકલ તપાસ કરાવી દિવ્યાંગ સર્ટિફિકેટ મેળવવા નિર્દેશ કર્યો છે.

પાંચ IAS અધિકારીઓ વિકલાંગ સર્ટિફિકેટને લઈ સરકારની નજરમાં છે. જ્યારે આ પાંચે અધિકારીઓને સરકારને ફરી એક વખત વિકલાંગ સર્ટિફિકેટ આપવું પડશે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ અધિકારીઓના મેડિકલ ટેસ્ટ અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને એઈમ્સમાં થાય તેવી સંભાવના છે. નોંધનીય બાબાત છે કે IPS અને IFS અધિકારીઓમાં પણ તપાસ આવે તેવી શક્યતાઓ સેવાય રહી છે. તમામ અધિકારીઓને ફરીથી આ નવુ વિકલાંગ સર્ટિફિકેટ યુપીએસસી સમક્ષ રજૂ કરવાનું રહેશે.