ચારૂસેટ યુનિવર્સિટીને શૈક્ષણિક ક્ષેત્રે “બેસ્ટ ડીજીટલ ટ્રાન્સફોર્મેશન” એવોર્ડ

નડિયાદઃ ચાંગા સ્થિત ચારૂસેટ યુનિવર્સિટીની યશકલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું છે. ચારૂસેટ યુનિવર્સિટીને શૈક્ષણિક ક્ષેત્રે “બેસ્ટ ડીજીટલ ટ્રાન્સફોર્મેશન” નો એવોર્ડ ગેસિયા તરફથી પ્રાપ્ત થયો છે.

ચારૂસેટ યુનિવર્સિટી એની સ્થાપના કાળથી જ નીતનવા સંશોધનો કરવા, અત્યાધુનિક ટેકનોલોજી અપનાવવી, શ્રેષ્ઠ શિક્ષણ આપવું, તમામ સંસ્થાઓમાં  નિયમિતપણે વિધાર્થીઓંને આઈસીટી સુવિધાઓ અને શ્રેષ્ઠ માળખું પૂરું પાડવું જેવી બાબતોમાં આગળ પડતી છે.

ગેસિયા આઈટી એસોસીએસન દ્વારા વાઈબ્રન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ટેકનોલોજી સમીટ ૨૦૧૯ અંતર્ગત ગુજરાત રાજ્યના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા એક સમારંભમાં કેળવણી મંડળના ઉપ-પ્રમુખ અશોક પટેલ,ચારુસેટના ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનીયરીગના ડીન ડૉ. અમિત ગણાત્રા અને પ્રાધ્યાપકગણને આ “બેસ્ટ ડીજીટલ ટ્રાન્સફોર્મેશન ઇન એજ્યુકેશન સેક્ટર” ગોલ્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ચારૂસેટના આઈટી સલાહકાર અશોક પટેલે જણાવ્યું હતું કે, ડીજીટલાઈઝેશન યુગમાં ચારૂસેટ કેમ્પસ પણ ૫૫૦ MBPS થી વધારીને ઈન્ટરનેટ વાઈફાઈની સ્પીડ ૯૦૦ MBPS સુધી લઇ જવા કટિબદ્ધ છે. એક ડગલું આગળ વધી ચારૂસેટ ડીજીટલ પેપરલેસ પરીક્ષા સમગ્ર ગુજરાતમાં શરૂ કરી છે. જે રાજ્યમાં પ્રથમ અને એકમાત્ર સંસ્થા તરીકે સિદ્ધિ મેળવી છે.

ગેસિયા વાર્ષિક એવોર્ડ ફોર એક્સેલેન્સ ૧૩ વિવિધ કેટેગરીમાં ગુજરાત અને ભારતની આઈસીટી ઇન્ડસ્ટ્રીમાંથી શ્રેષ્ઠ ઇન્ડસ્ટ્રીની પસંદગી કરી સન્માનિત કરે છે જે આગામી સંશોધનો શ્રેષ્ઠ વિચારો, સફળ ઉત્પાદનો અને સંસ્થાઓને પ્રદાન થાય છે.