સર્વાંગી વિકાસ માટે ગામડાંઓનો વિકાસ જરૂરીઃ વેંકૈયા નાયડુ

આણંદઃ ઈન્સ્ટિટ્યૂટ ઓફ રુરલ મેનેજમેન્ટ આણંદના 40 મા સ્થાપના દિવસની ઉજવણીમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ હાજરી આપી હતી. વેંકૈયા નાયડુએ જણાવ્‍યું છે કે, દેશના સર્વાંગી વિકાસ માટે ગામડાંઓનો વિકાસ જરૂરી છે. આઝાદીના ૭૦ વર્ષ બાદ ભારતની ૬૮ ટકા જેટલી આબાદી ગામડાંઓમાં વસે છે, ત્‍યારે ગ્રામીણ અર્થતંત્રને વધુ સંગીન અને સુદ્રઢ બનાવવા માટે ગામડાંઓમાં જઇ ખેડૂતોને ઉદ્યમતશીલતા અને નાવીન્‍યતાના પાઠ શીખવવા પડશે.

ઉપરાષ્‍ટ્રપતિએ કહ્યું કે, પૂ. મહાત્‍મા ગાંધીજી કહેતા હતા કે ભારતનો આત્‍મા ગામડાંઓમાં વસે છે એટલું જ સરદાર સાહેબે પણ આઝાદી પૂર્વે ખેડા અને બારડોલી સત્‍યાગ્રહ દ્વારા ખેડૂતોના હિતો-કલ્‍યાણ માટે કામ કર્યું હતું તેનું સ્‍મરણ કર્યું હતું. આ સાથે જ ઉપરાષ્‍ટ્રપતિએ ઇરમાની કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું. ઉપરાષ્‍ટ્રપતિએ એન.ડી.ડી.બી. ખાતે એન.ડી.ડી.બી., ઇરમા, અમૂલ, જીસીએમએમએફની વિકાસગાથા દર્શાવતા પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી.

ગ્રામિણ વિકાસને સમર્પિત ઇરમા સંસ્‍થા પૂ.મહાત્‍મા ગાંધીજીના સ્‍વપ્‍નોને સાચા અર્થમાં સાકાર કરી રહી છે. તેનો ઉલ્‍લેખ કરતાં ઉપરાષ્‍ટ્રપતિએ જણાવ્‍યું કે, અસરકારક ગ્રામિણ વ્‍યવસ્‍થાપન દ્વારા ઇરમા સમગ્ર દેશની ૭૦ ટકા જેટલી ગ્રામિણ વસતિના જીવન ધોરણમાં સકારાત્‍મક બદલાવ લાવી રહી છે. તેમણે ગ્રામિણ અર્થકારણ અને ગામડાંઓને મજબૂત બનાવવા માટે ખેતી તરફ વળવા ખેત પેદાશોનું મૂલ્‍યવર્ધન કરવા અને આધુનિક યુગમાં જીવનશૈલીમાં બદલાવ લાવવાની હિમાયત કરી હતી.

ઉપરાષ્‍ટ્રપતિએ જણાવ્‍યું કે, કેન્‍દ્ર સરકારે ગામડાંઓના વિકાસને પ્રાધાન્‍ય આપી ગામડાંઓમાં પાયાની માળખાગત એવી વીજળી, પાણી, રસ્‍તા, સ્‍વચ્‍છતા અને શૌચાલયોનું નિર્માણ કર્યું છે. સમગ્ર દેશમાં સૌ પ્રથમવાર સ્‍વર્ગસ્થ અટલબિહારી વાજપેયીજી દ્વારા સુર્વણ ચતુર્ભૂજ યોજના અમલમાં મૂકવામાં આવી હતી તેમ જણાવાતાં ઉપરાષ્‍ટ્રપતિએ ઉમેર્યું કે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીના સક્ષમ નેતૃત્‍વમાં સૌનો સાથ-સૌનો વિકાસ મંત્ર દ્વારા સમગ્ર દેશમાં સવર્સમાવેશક વિકાસની વિભાવના સાર્થક થઇ રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]