ચારુસેટની વિદ્યાર્થિની રાધિકા ધોળકિયાને કેન્દ્ર સરકારની ‘IndiaAI’ ફેલોશિપ એનાયત

ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન ચંદાબેન મોહનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ (CMPICA)ની MCA શાખાની વિદ્યાર્થિની રાધિકા ધોળકિયાને ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) હેઠળની ‘IndiaAI’ પહેલ અંતર્ગત રૂપિયા એક લાખની ફેલોશિપ મળી છે. મહિલા સશક્તિકરણ માટે તૈયાર કરાયેલા ‘AI-પાવર્ડ ડ્રોન પાઇલટ ટ્રેનિંગ એપ: મલ્ટિલિંગ્યુઅલ વર્ચ્યુઅલ સિમ્યુલેટર’ પ્રોજેક્ટ માટે આ પસંદગી કરવામાં આવી છે.

આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત બહુભાષી પ્લેટફોર્મ વિકસાવી મહિલાઓને ડ્રોન પાઇલટિંગની તાલીમ આપવાનો અને ડ્રોન ક્ષેત્રે કૌશલ્ય વિકાસ વધારવાનો છે. આ સંશોધન કાર્ય ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન્સના ડીન ડો. સંસ્કૃતિ પટેલના માર્ગદર્શન અને આસિસ્ટન્ટ પ્રોફેસર રોનેશ ગંગવાનીના સહ-માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે. આ ફેલોશિપને IndiaAI ટીમ તરફથી મંજૂરી આપવામાં આવી છે. ચારુસેટના પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલ અને રજિસ્ટ્રાર ડો. બિનીત પટેલના નેતૃત્વમાં સંસ્થા ઇનોવેશન અને ટેક્નોલોજી ક્ષેત્રે કાર્યરત છે. વિદ્યાર્થિનીની આ સિદ્ધિ એઆઈ ક્ષેત્રે ટેક્નોલોજીકલ સંશોધન અને શિક્ષણને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.