રાજ્યના વાતાવરણમાં પલટોઃ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ

અમદાવાદઃ છેલ્લા બે દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં અમદાવાદ, સાબરકાંઠા, ખેડા, હિંમતનગર, ડાકોર સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે. રાજ્યમાં વાદળછાયા વાતાવરણને કારણે મિશ્ર ઋતુનો અનુભવ પણ થઈ રહ્યો છે.  હાલમાં ઠંડીમાં ભારે ઘટાડો થયો છે, પરંતુ બે દિવસ બાદ ઠંડીમાં વધારો થાય એવી શક્યતા છે, એવું હવામાન વિભાગે જણાવ્યું છે. 

રાજ્યના મોટા ભાગનાં વિસ્તારો વાતાવરણમાં પલટો આવ્યો છે.  અમદાવાદના અનેક વિસ્તારોમાં ધીમી ધારે કમોસમી વરસાદ વરસ્યો હતો.  શહેરનાં SG હાઇવે, પ્રહલાદનગરમાં વરસાદી છાંટા પડ્યા છે. આ ઉપરાંત પંચમહાલ, હિંમતનગર, ડાકોરમાં પણ વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં બે દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી છે. જેને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, તાપી અને ડાંગમાં વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી અને મહીસાગરમાં વરસાદની સંભાવના છે. રાજ્યમાં સુસવાટાભેર પવન પણ ફૂંકાશે જેના કારણે ઠંડીનો અહેસાસ પણ થશે.

રાજ્યની સાથે માઉન્ટ આબુમાં પણ લઘુતમ તાપમાન ઘટ્યું છે. જે બાદ સતત બીજા દિવસે 8 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. અત્યારે ઠંડી ઓછી થઈ છે અને વાતાવરણમાં પણ પલટો આવ્યો છે.