રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે. એક બાજુ ચોમાસાને લઈ પાણી જન્ય રોગાચાળામાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી બાજું ચાંદીપુરા વાયરસનો પણ ગુજરાતમાં પગપેસારો થતો નોંધાય રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના રાજકોટમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા પાંચ દીર્દી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં પાંચે બાળકોના મૃત્યુ થયા છે. આ દર્દીઓ ચાંદીપુરા વાયરસથી ગ્રસ્ત હોવાની આશંકા છે. ત્યારે વાયરસના લક્ષણોના આધારે પાંચે બાળકોના જરૂરી સેમ્પલ લઈ ટેસ્ટિંગ માટે પૂર્ણે મોકલવામાં આવ્યા છે.
આ સાથે રાજકોટ સહિત ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી થનારા મોતનો આંકડો ધીરેધીરે વધી રહ્યો છે. મળતી માહિતી અનુસાર હાલ સુધીમાં લગભગ 19 જેટલા બાળકોએ ચાંદીપુરા વાયરસથી પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજકોટમાં જ 5 શંકાસ્પદ દર્દીના મોત થઈ ગયા છે. જેમાં મોરબીના રાશિ પ્રદીપ સાહરીયાને 12 જુલાઈએ રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. જેનું 14 જુલાઈએ મોત થઈ ગયું છે. પડધરીના હડમતીયાનો 2 વર્ષીય પ્રદીપ ગોવિંદભાઈ રાઠોડને 9 જુલાઈએ દાખલ કરવામાં આવ્યો હતો અને તેનું 15 જુલાઈએ મોત થઈ ગયું છે. જેતપુરના પેઢીયા ગામનો 8 વર્ષના કાળુ ચંપુલાલને 15 જુલાઈએ દાખલ કરવામાં આવ્યો અને તેનું એ જ દિવસે મોત થઈ ગયું હતું. તેમજ મધ્યપ્રદેશના 13 વર્ષીય સુજાકુમાર ધનકને 16 જુલાઈ દાખલ કરવામાં આવ્યો અને તેનું એ જ દિવસે મોત થઈ ગયું હતું. જ્યારે 3 વર્ષીય રિતિક રાજારામ મુખીયા 14-7-2024ના રોજ દાખલ થયો હતો અને 17 જુલાઈના રોજ તેનું મોત થઈ ગયું હતું.
શું છે ચાંદીપુરા વાઈરસ?
આ કોઈ નવો વાઈરસ નથી. એનો પહેલો કેસ 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરમાં સામે આવ્યો હતો. મૂળ મહારાષ્ટ્ર, ગુજરાત અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તાર આ વાઈરસથી પ્રભાવિત છે. આ એક આરએનએ વાઈરસ છે. એના સંક્રમણથી દર્દી મગજનો તાવ (એન્સેફ્લાઇટિસ)નો શિકાર થઈ જાય છે. એ મચ્છરો અને માખી જેવા રોગવાહકોના કરડવાથી ફેલાય છે.