અમદાવાદ- કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન સુરેશ પ્રભુએ જીસીસીઆઈના કાર્યક્રમમાં કહ્યું કે દેશના અર્થતંત્રમાં ઉત્પાદન ક્ષેત્રનો હિસ્સો માત્ર 16 ટકા છે, પરંતુ ટકાઉ અર્થતંત્ર માટે દેશના અર્થતંત્રમાં ઉત્પાદન ક્ષેત્રનો હિસ્સો 16 ટકાથી વધારવો અતિ આવશ્યક છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઈન્ડસ્ટ્રીઝ-જીસીસીઆઈ અને મસ્કતી માર્કેટ મહાજન મંડળના સંયુક્ત ઉપક્રમે જીએમડીસી કન્વેશન હોલ ખાતે યોજાયેલા ‘ફાર્મ ટુ ફેશન, ઈન્ડિયન ટેક્સટાઈલ ગ્લોબલ સમિટ-2018’ના પ્રારંભે પોતાના વક્તવ્યમાં પ્રભુએ જણાવ્યું કે આવનારા સમયમાં ઉત્પાદન ક્ષેત્રને મજબૂત કરવા ભારતે ફરીથી કાપડ ઉદ્યોગ તરફ વળવું પડશે.તેમણે જણાવ્યું કે કાપડ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવામાં આવે તો આપોઆપ ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન મળશે અને મોટા પ્રમાણમાં રોજગારીની તકો ઊભી થશે. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે કાપડની સાથે સાથે રેડીમેડ ગારમેન્ટની નિકાસ માટે બજારને વિકસાવવાની જરૂર છે. ભારતના કાપડ ઉત્પાદનનું મુખ્ય બજાર અમેરિકા છે પરંતુ શિયાળામાં અમેરિકામાં સિઝન નથી હોતી ત્યારે ભારતના કાપડ ઉદ્યોગને વિદેશી બજાર મેળવવામાં મુશ્કેલી પડે છે.ભારત સરકારનું વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારતના કાપડ ઉદ્યોગને નિકાસ માટે બારેમાસ યોગ્ય બજાર મળી રહે તે માટે યુરોપિયન યુનિયન સાથે બેઠકોનો દોર ચલાવી રહ્યું છે. એ ઉપરાંત લેટીન અમેરિકા, આફ્રિકા તથા એશિયાના દેશોમાં પણ સતત પ્રવાસો અને મિટીંગોના માધ્યમથી ભારતીય કાપડ ઉદ્યોગ માટે નવા બજારો ઉભા કરવાના પ્રયાસો ચાલુ છે.