અસલમ બોડિયા, બિચ્છુ-ગેંગ સામે ‘ગુજસીટોક’ હેઠળ કેસ

વડોદરાઃ રાજ્ય સરકારે એક વર્ષ પહેલાં મૂકેલા આતંકવાદ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (ગુજસીટોક)નો વડોદરામાં સૌપ્રથમ વાર અમલ કરવામાં આવ્યો હતો. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નવાપુરાના નામચીન ગુનેગાર અસલમ બોડિયો અને બિચ્છુ ગેંગને નામે ઓળખાતા તેના સાગરીતોનો ભારે ત્રાસ છે. શહેરની માથાભારે બિચ્છુ ગેંગ સામે ક્રાઇમ બ્રાન્ચે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી 12 લોકોની ધરપકડ કરી છે. જ્યારે ગેંગનો મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયા ભૂર્ગભમાં ઊતરી ગયો છે.

અસલમ બોડિયા સામે ખંડણી, હુમલા, ધાક-ધમકી રાયોટિંગ જેવા 50થી વધુ ગુના નોંધાયેલા છે. જ્યારે તેના સાગરીતો પણ આજ કામમાં સક્રિય હતા. થોડા સમય પહેલાં ભાજપના કાર્યકરને ચણિયાચોળી પહેરાવી ગરબા કરાવવાના કેસમાં  ખંડણીખોર અસલમ શેખની ધરપકડ કરી હતી. પોલીસે ભૂતકાળના બે વોન્ટેડ ગુનામાં હાલોલ રોડ પર 100 કિલોમીટર સુધી પીછો કરી તેની ધરપકડ કરી હતી.

શહેરના નવા પોલીસ કમિશનરે બિચ્છુ ગેંગ અને અસલમ બોડિયાની વિગતો ભેગી કરી ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપતાં અસલમ બોડિયાની ગુજસીટોક હેઠળ ગુનો નોંધી 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. પોલીસની આ કાર્યવાહીથી અંધારી આલમમાં ભારે ગભરાટ ફેલાયો છે.

માથાભારે ગુનેગારોને પાઠ ભણાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુક્સીટોકનો કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે. રાજ્યના મુખ્ય શહેરોમાં માથાભારે વ્યક્તિઓ સામે ગુક્સીટોક  હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે. જોકે વડોદરામાં આ કાયદા હેઠળ અત્યાર સુધી એક પણ ગુનો નોંધાયો ન હતો.