BZ ગ્રુપનો પોન્ઝી સ્કેમ, CIDના દરોડાથી 6000 કરોડના આર્થિક ફ્રોડનો પર્દાફાશ

ઉત્તર ગુજરાતના જાણીતા BZ ગ્રુપ પર CIDએ તવાઇ બોલાવી છે. છેલ્લા કેટલાક સમયથી રોકાણકારોને આકર્ષતી તગડું વ્યાજ આપતી ખાનગી ઓફિસો પર મંગળવારે CID ક્રાઇમની ટીમે એકી સાથે સંચાલકો તથા તેમના એજન્ટોની ઓફિસો પર દરોડો પાડતાં ચકચાર મચી જવા પામી હતી. ગ્રુપના અનેક એજન્ટને ત્યાં CIDની ટીમએ દરોડા પાડી કાર્યવાહીનો સપાટો બોલાવ્યો છે. BZ ગ્રુપના એજન્ટ પોન્ઝી સ્કીમનો ધંધો ચલાવતા હોવાનો આરોપ છે. ત્રણ વર્ષમાં ફિકસ ડિપોઝિટ ડબલ કરી આપવાનું કહી તેમજ રોકાણ પર માસિક 7 ટકા વ્યાજ આપવાની લાલચ આપી રોકાણકારો પાસેથી રૂ.6 હજાર કરોડ ઉઘરાવી લેનારી BZ ફાઈનાન્સિયલ સર્વિસની 7 જિલ્લાઓમાં આવેલી ઓફિસો ઉપર CID ક્રાઈમે દરોડા પાડ્યા હતા.

આ કંપનીની ઓફિસો ગુજરાત તેમજ રાજસ્થાનમાં પણ આવેલી હોવાનું પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું. મળતી માહિતી અનુસાર પોલીસના દરોડાના પગલે કરોડો રુપિયાના રોકાણ મેળવી ભૂપેન્દ્ર ઝાલા એકાએક ભૂગર્ભમાં ઉતરતા રોકાણકારો ચિંતાનો માહોલ છવાયો છે. જ્યારે 2 બેંક એકાઉન્ટમાંથી રૂ.175 કરોડના ટ્રાન્જેકશન મળ્યા છે. CIDની ટીમે આ નનામી અરજીની તપાસ કરતા કંપનીએ ગુજરાતમાં તલોદ જિલ્લાના રણાસણમાં, હિંમતનગરમાં, વિજાપુરમાં, મોડાસા, ગાંધીનગર, વડોદરા અને અરવલ્લી જિલ્લાના માલપુરમાં ઓફિસો શરૂ કરી હતી. જેના આધારે સીઆઈડી ક્રાઈમના 50થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓની 7 ટીમોએ એક સાથે તમામ ઓફિસોમાં દરોડા પાડ્યા હતા. જેમાંથી મોટા ભાગની ઓફિસોમાંથી મહત્વના ડોકયુમેન્ટસ મળી આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે બીઝેડ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાએ લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જોકે ધાર્યો માહોલ નહિ જામતા ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું હતું. ઉમેદવારી ફોર્મ સાથે એફિડેવિટમાં ઈન્કમટેક્સ રિટર્નમાં માત્ર 17.94 લાખની આવક દર્શાવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે ભૂપેન્દ્રની વર્ષ 2018-19માં માત્ર 4.98 લાખની આવક હતી. જ્યારે વર્ષ 2021-22માં આવક 9.79 લાખ રૂપિયા આવક હતી. માત્ર નજીવી આવક સામે 6000 કરોડનું રોકાણ મેળવ્યું હોવાના આરોપ પણ લગાવવામાં આવ્યું છે. રોકાણકારોના નાણાં વિદેશમાં ટ્રાન્સફર કર્યા કે કેમ તેની આશંકા હાલ સેવાઈ રહી છે. મહિને એક ટકાના લાલચમાં એજન્ટોએ કરોડોનું રોકાણ કરાવ્યું હતું. આ સ્કીમમાં મોટી સંખ્યામાં રોકાણકારો ખેડૂતો, શિક્ષકો અને પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ છે. હિંમતનગરમાં વ્યાપાર ભવન ખાતે આવેલ બીજે માલની BZની ઓફીસમાં CIDની રેડ સવારથી ચાલી રહી હતી. જેમાં કેટલાક એજન્ટો પણ હતા. જેમની તપાસણી બાદ અંદાજે રૂ. 20 લાખથી વધુ રકમ અને મોટા પ્રમાણમાં દસ્તાવેજો મળી આવ્યા છે, જેની કામગીરી મોડે રાત સુધી ચાલી રહી હતી. જ્યારે એક વાહનમાં દસ્તાવેજો પણ કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો CIDની અલગ અલગ ટીમોએ ટીમોએ સવારથી હિંમતનગર સહિત ગુજરાતભરમાં રેડ કરી હતી.

આખી વાત એમ છે કે, હિંમતનગર તાલુકાના એક ગામમાં રહેતા BZ દ્વારા પોંઝી સ્કીમના નામે ધંધો શરૂ કરાયો હતો. શરૂઆતમાં તેમણે હિંમતનગર, રણાસણ, ગાંભોઇ, રાયગઢ સહિતના ઉત્તર ગુજરાતમાં એજન્ટો રોકીને રોકાણકારોને આકર્ષવા માટે પોન્ઝી સ્કીમની સમજ આપવામાં આવતી હતી. રોકાણકર્તાને દર મહિને તગડુ વ્યાજ આપવામાં આવતું હતું. જેના લીધે BZ ગૃપ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો સુધી પથરાઇ ગયો હતો.