ગાંધીનગરઃ રાજ્યના ઓદ્યોગિક એકમોમાં કામ કરતાં શ્રમયોગીઓને દિવાળીના તહેવારોમાં કોઇ મુશ્કેલી ઉભી ન થાય અને હર્ષોલ્લાસ સાથે તહેવારોની ઉજવણી કરી શકાય તે માટે સમયસર બોનસ ચૂકવવામાં આવ્યુ છે. રાજ્યના ૬,૪૨,૬૨૯ શ્રમયોગીઓને રૂા.૭૭૦.૩૮ કરોડનું બોનસ ચૂકવાયુ છે. આ માહિતી શ્રમ આયુક્ત કચેરી દ્વારા આપવામાં આવી છે.
રાજ્યની વિકાસ યાત્રામાં સહભાગી થતા શ્રમયોગીઓને મદદરૂપ થવા નિયમીત રીતે બોનસ ચૂકવાય અને વર્ષ-૨૦૧૭-૧૮ના બોનસની રકમ સમયસર મળી રહે તે માટે આગોતરી કાર્યવાહી હાથ ધરી સઘન પ્રયાસો હાથ ધરાયા હતા જેના પરિણામે રાજ્યમાં ઓદ્યોગિક એકમો / સંસ્થાઓ દ્વારા દિવાળી પૂર્વે રાજ્યમાં ૬,૪૨,૬૨૯ શ્રમિકોને રૂા.૭૭૦.૩૮ કરોડની રકમ ચૂકવણી કરાઇ છે. ગત વર્ષે ૨૦૧૬-૧૭માં ૪,૨૭,૨૪૧ શ્રમયોગીઓને રૂા.૫૮૨.૬૭ કરોડનું બોનસ ચૂકવાયુ હતુ એમ શ્રમ નિયામકે જાહેર કરેલી યાદીમાં જણાવાયું છે.