ગોધરાઃ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણીમાં આજે જાહેર થયેલા પરિણામમાં ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર નિમિષા સુથાર વિજયી નિવડ્યાં છે. એમણે કોંગ્રેસનાં હરીફ સુરેશ કટારાને 45,432 મતના માર્જિનથી પરાજય આપ્યો છે. આ બેઠક માટે ગઈ 17 એપ્રિલે મતદાન થયું હતું. નિમિષા સુથારે 67,457 અને કટારાએ 21,808 મત મેળવ્યા છે. રસપ્રદ વાત એ છે કે નિમિષા સુથારે 2013માં પણ આ જ બેઠક પર થયેલી પેટા-ચૂંટણી જીતી હતી.
પંચમહાલ જિલ્લો આદિવાસી સમાજની બહુમતી માટે જાણીતો છે. મોરવા હડફ બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે. આ બેઠક પરથી અપક્ષ ભૂપેન્દ્રસિંહ ખાંટ વિજયી બન્યા હતા, પણ એમણે ગેરકાયદેસર જાતિ-સર્ટિફિકેટ આપ્યું હોવાનું માલૂમ પડતાં 2019ના મે મહિનામાં એમને ગેરલાયક જાહેર કરાયા હતા. એને પગલે આ બેઠક ખાલી પડતાં એની ફરી ચૂંટણી યોજવી પડી છે. ખાંટે પોતાને ગેરલાયક ઠેરવવાના નિર્ણયને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો, પણ ત્યાં એ કેસ હારી ગયા હતા. બાદમાં, આ વર્ષના જાન્યુઆરીમાં નાદુરસ્ત તબિયતને કારણે એમનું અવસાન થયું હતું. એ 42 વર્ષના હતા.