અમદાવાદઃ ભાજપ રાજ્યની વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓમાં લાગ્યો છે. પક્ષના ટોચનું નેતૃત્વ સત્તાવિરોધી લહેરને ખાળવા માટે દરેક પ્રયાસ કરી રહ્યું છે. આદિવાસી મતદારોથી માંડીને અલ્પસંખ્યક મતદારો માટે ભાજપે મેગા પ્લાન તૈયાર કરી લીધો છે. ભાજપે રાજ્યમાં મુસલમાનોને જોડવા માટે એક ઝુંબેશ શરૂ કરી છે.
ભાજપે એ માટે ચૂંટણી ગણિત તૈયાર કર્યું છે, જેમાં જે જગ્યાએ મુસ્લિમ મતદાતાઓની સંખ્યા વધુ છે, ત્યાં એ વિસ્તારોમાં કમસે કમ 100 ‘અલ્પસંખ્યક મિત્ર’ બનાવવામાં આવશે. ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા જમાલ સિદ્દીકીએ આ વાત કરી હતી.
રાજ્યમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. મુસ્લિમ બાહુલ્ય વિધાનસભા ક્ષેત્રોમાં અલ્પસંખ્યક સમુદાયોના લોકો –ખાસ કરીને મુસ્લિમોને પક્ષ બૂથ સમિતિઓમાં પણ સામેલ કરશે. પક્ષ અલ્પસંખ્યકના બિનરાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા કમસે કમ 100 મુસલમાનોને પક્ષથી સહાનુભૂતિ રાખવાવાળા રૂપે જોડવા માટે એક ઝુંબેશ શરૂ કરશે. તેઓ આધ્યાત્મિક નેતા, પ્રોફેશનલ, વેપારી અથવા સરકારમાં કામ કરતા કર્મચારીઓ પણ હોય એવી શક્યતા છે.
આવા અલ્પસંખ્યક મિત્રોને પક્ષ તેમની આસપાસના 50 અલ્પસંખ્યક મતોને ભાજપ માટે ખેંચી લાવવા માટેની જવાબદારી સોંપવામાં આવશે. આવા અલ્પસંખ્યક મિત્રો 109 વિધાનસભાના ક્ષેત્રોમાં ભાજપની બૂથ સમિતિઓમાં સામેલ કરવામાં આવશે, જ્યાં મુસલમાનોની વસતિ સારીએવી છે- ખાસ કરીને તેમની 25,000થી એક લાખ જેટલા મતો છે, ત્યાં તેમને મતો ખેંચી લાવવા માટે આહવાન કરવામાં આવશે, એમ સિદ્દીકીએ જણાવ્યું હતું.