રાજકોટ, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે ગુજરાતમાં આજે રાજકોટથી તિરંગા યાત્રાનો આરંભ કરાવતા કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા એ જણાવ્યું હતું કે, ભારતની આઝાદીની લડાઇમાં ગુજરાતના યોગદાનને ક્યારેય ભૂલી શકશે નહીં.
રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતેથી યાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વ તેમણે લોકોને સંબોધતા જણાવ્યું હતું કે , ભારતને આઝાદી આસાનીથી નથી મળી. અનેક વિરો એ શહાદત વહોરી છે. ગુજરાતનું આઝાદીની લડતમાં અમૂલ્ય યોગદાન રહ્યું છે. મહાત્મા ગાંધી ગુજરાતની આ વીર ભૂમિમાં જન્મ્યા હતા અને આઝાદી પહેલા દેશમાં 562 રજવાડાઓ હતા તેને એક કરવાનું મહાન કાર્ય સરદાર પટેલે કર્યું હતું તેઓ પણ ગુજરાતની ધરતીમાં સપૂત હતા. અને આજે પણ ગુજરાત સાથે જેમનો સબંધ રહ્યો છે તેવા યશશ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત તેજીથી પ્રગતિ કરી રહ્યું છે. તેનું સમગ્ર દેશને ગૌરવ છે. આજના યુવાનો આઝાદી લડવૈયાઓને યાદ કરે જેથી દેશનો ઇતિહાસ નવી પેઢી જાણે.
તેમણે વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસ ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું કે , વિપક્ષ આઝાદીના લડવૈયા નેતાજી સુભાષચંદ્ર બોઝ જે ભગતસિંહને યાદ કરવાને બદલે માત્ર એક પરિવાર ને જ યાદ કરે છે. નકલી રાષ્ટ્રભક્તિ તેઓ બતાવી રહ્યા છે.
આ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આઝાદીના આ પર્વને ગૌરવથી ઉજવવા ઘેર ઘેર તિરંગા ફરકાવવા આહવાન કર્યું હતું. સાંસદો, ધારાસભ્યો અને ભાજપના આગેવાનો સવારે 10 વાગ્યે યોજાયેલા રાષ્ટ્રભક્તિ ના માહોલમાં આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
(દેવેન્દ્ર જાની, રાજકોટ)
તસવીર , નિશુ કાચા