ભાજપના વિધાનસભ્ય કેસરીસિંહ સોલંકી ‘આપ’ પાર્ટીમાં સામેલ

અમદાવાદઃ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ નહીં મળતાં નારાજ નેતાઓમાં પાર્ટી બદલવાનો દોર ચાલી રહ્યો છે. રાજ્યમાં ખેડામાં માતર વિધાનસભા ક્ષેત્રના હાલના વિધાનસભ્ય કેસરીસિંહ સોલંકીએ ભાજપને ટિકિટ નહીં આપી તો તેઓ આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે.

રાજ્યમાં આમ આદમી પાર્ટીના પ્રદેશાધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ઓબીસી નેતા કેસરીસિંહ સોલંકીનું પાર્ટીમાં ભવ્ય સ્વાગત કર્યું છે અને એક ટ્વિટર પોસ્ટમાં એની જાહેરાત કરી છે. જોકે આપ પાર્ટીએ માતર સીટથી મહિપતસિંહ ચૌહાણને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

કેસરીસિંહ સોલંકી રાજ્યની માતર સીટથી ભાજપના વિધાનસભ્ય છે. તેઓ બે વાર ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા છે. કેસરી સિંહ સોલંકી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં માતરથી ભાજપના ઉમેદવાર હતા. તેમણે કોંગ્રેસના ઉમેદવાર સંજય પટેલની સામે 2406 મતોથી આ બેઠક જીતી હતી. તેઓ પોતાનાં કામોને વિવાદોમાં રહે છે. પોલીસે 2021માં કેસરીસિંહને પાવાગઢમાં દારૂની પાર્ટી અને જુગાર રમતા પકડ્યા હતા. આ મામલે કોર્ટે તેમને બે વર્ષની જેલની સજા પણ આપી હતી. આ ઉપરાંત કોર્ટે તેમને રૂ. 4000નો દંડ પણ ફટકાર્યો હતો.