વડોદરા– સંસ્કારીનગરી વડોદરામાં 28 ડિસેમ્બરને શુક્રવારની રાત્રે કડકડતી ઠંડીમાંય મોટી સંખ્યામાં લોકો સર સયાજીરાવ નગરગૃહ, અકોટા ખાતે એકઠા થયાં. વડોદરાના આ હોલમાં એકઠા થયેલા લોકો મન મૂકીને માણ્યું ‘ખુમાર’નું ગીતસંગીત. આ વિશિષ્ટ પ્રકારના ગીતસંગીતના કાર્યક્રમમાં વડોદરાવાસીઓને મોજ કરાવવાનો શ્રેય ખુમારના બિપીન પંડિતને જાય છે. chitralekha.com દ્વારા લેવાયેલી બિપીન પંડિત સાથેની વિડીયો મુલાકાત દરમિયાન બિપીન પંડિતે ખુમાર સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ વિશે નમ્રતાભરી ખુમારીથી જણાવ્યું હતું…
એડવર્ટાઈઝિંગ ક્લબના ચીફ ઓપરેટિંગ ઓફિસર બિપીન પંડિત જાહેરખબર-એડવર્ટાઇઝિંગ, ક્રિકેટ, મિમિક્રી, મંચ સંચાલન,ગીતસંગીત જેવી અનેક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. બિપીનભાઇ મુંબઇમાં સતત 12 વર્ષથી ખુમારના નામે જુદા જુદા કાર્યક્રમ કરતા રહે છે. એક પછી એક કલાકારોને સ્ટેજ પર પ્રસ્તુત કરતાં, હસતાં-હસાવતાં, શાયરી, ગંભીર ડાયલોગ બોલી પ્રેક્ષકોને ભરપૂર મનોરંજન પૂરુ પાડવાની ક્ષમતા બિપીન પંડિત ધરાવે છે.
બિપીન પંડિત chitralekha.com ને કહે છે કે મારામાં જેમ ખુમારી છે એ પોઝિટીવ ખુમારી છે. એ ખુમારી લોકો સુધી મનોરંજન સ્વરુપે પહોંચે, કલાકારો સાથે સૌ લોકોમાં ખુમારી આવે એ માટે હું કાર્યક્રમોનું નામ ખુમાર રાખુ છું. ખુમારની શોધ દ્વારા નવા ઉભરતાં કલાકારોને પ્લેટફોર્મ પુરુ પાડવામાં આવે છે. અત્યાર સુધી કર્મક્ષેત્ર મુંબઇ રાખ્યું હવે મારા બાળપણની યાદો જ્યાં છુપાયેલી છે એવા વડોદરાવાસીઓને મનોરંજન પુરું પાડવા જઇ રહ્યો છું.
વડોદરામાં યોજાયેલા ગીતસંગીતના કાર્યક્રમમાં ખુમારના એકદમ પ્રોફેશનલ કલાકારો સાથે નવા તરવરિયા કલાકારોએ સૌ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં.
અહેવાલ-પ્રજ્ઞેશ વ્યાસ