ગોહિલવાડની ધરતી પર નર્મદાનો જળાભિષેક થતાં ખેડૂતોમાં હરખની હેલી

ભાવનગર- સૌની યોજના હેઠળ ભાવનગરના શેત્રુંજી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવ્યું છે, ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી નર્મદાના પાણીના વધામણાં કરવા પહોંચ્યા હતા. સાથે જ તેમણે અહીં સભા પણ સંબોધી હતી. સીએમ રૂપાણીએ નર્મદાના નીર બદલ ભાવનગરની જનતાને શુભેચ્છાઓ પાઠવી હતી. ઉપરાંત તેમણે સંબોધન દરમિયાન કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતાં.

વિજય રૂપાણીએ કહ્યું હતું કે, મોદીને મૂંગેરીલાલ કહેનારા સપના પણ જોઈ શકતા નથી. તેમણે કોંગ્રેસને સવાલ કર્યો કે, કેમ નર્મદા ડેમ જે-તે સમયે પૂરો ન કર્યો? દુકાળને ભૂતકાળ કરવાનું કામ અમે કરીએ છીએ. સાથે જ તેમણે ભાવનગરની જનતાને નર્મદાના પાણીનું સદઉપયોગ કરવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે, આ સૌની યોજનાનો આવનારા દિવસોમાં આસપાસના વધુને વધુ વિસ્તોરોને લાભ મળશે. નર્મદાનું પાણી અહીં સુધી પહોંચી ગયું છે. આ પાણીના ટીપે ટીપાનો સદઉપયોગ કરીએ. તેને વેડફીયે નહીં.

વિજય રૂપાણીએ ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે શેત્રુંજી ડેમમાં નર્મદા જળના વધામણાં કરતાં ગુજરાત વિરોધીઓને સ્પષ્ટ કહ્યું હતું કે સૌરાષ્ટ્રની પ્રજાને તરસી રાખી ખેડૂતોને બરબાદી તરફ ધકેલવાનું જે પાપ તેમણે કર્યું છે તેને પ્રજા માફ નહીં કરે.

ગુજરાતની જનતામાં પાણીમાંથી પારસમણી પેદા કરવાની અને ખેડૂતોને વીજળી અને પાણી મળે, તો સોનું ઉગાડવાની તાકાત છે, એમ કહીને મુખ્યપ્રધાને જણાવ્યું કે સૌની યોજનાથી પાણીનો દુષ્કાળ ભૂતકાળ બની જશે. સૌની યોજના અંતિમ તબક્કામાં છે. આવતા વર્ષે સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમ રૂ. ૧૮,૦૦૦ કરોડના ખર્ચે નર્મદા મૈયાના પાણીથી છલોછલ થઇ જવાના છે.

મુખ્યપ્રધાને સૌની યોજનાના બીજા તબક્કા અંતર્ગત ભીમડાદથી શેત્રુંજી જળાશય સુધીની પાઇપલાઇન દ્વારા શેત્રુંજી ડેમને નર્મદાના નીરથી છલોછલ ભરવાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યુ હતું. ગોહિલવાડની ધરતી પર આજે મા નર્મદાનો જળાભિષેક થતાં ખેડૂતોમાં હરખની હેલી પ્રસરી હતી.

તદુપરાંત, ગુજરાત રાજ્ય પોલીસ નિગમ દ્વારા ભાવનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે કુલ રૂ. ૨૩.૭૩ કરોડના ખર્ચે નવનિર્મિત બહુમાળી પોલીસ આવાસોનું લોકાર્પણ, શેત્રુંજીથી રાયડી જળાશય સુધીની પાઇપલાઇનની કામગીરીનું તથા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્માણાધીન તરસમિયા, ભાવનગર ખાતેના EWS-1 અને EWS-2ના કુલ ૨૪૯૬ આવાસોનું પણ વિજય રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

અલંગ ખાતે મેરિટાઇમ બોર્ડના સહયોગથી શરૂ કરવામાં આવેલી હોસ્પિટલનું લોકાર્પણ તકતી અનાવરણ કરીને ચાવી અર્પણ કરીને કરવામાં આવ્યું હતું. જિલ્લાના મહેસૂલી અને ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓએ તેમના એક દિવસના પગારમાંથી એકઠા કરેલા રૂ. ૧૯ લાખનો ચેક તેમજ કૃણાલ ગ્રૂપે રૂ. ૨.૫૧ લાખ શહીદ પરિવારોના ફંડ માટે અર્પણ કર્યા હતા.