રાજ્યભરમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગઈકાલ બાદ આજે પણ વહેલી સવારથી ગેરકાયદે કરેલા દબાણો દૂર કરવા માટે AMCની ટીમ અને ગુજરાત પોલીસ પહોંચી હતી. અમદાવાદના જુહાપુરા, જમાલપુર વિસ્તાર બાદ રાણીપ વિસ્તારમાં દબાણ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જોકે, ત્યાં દબાણ દૂર કરવા ગયેલી પોલીસ અને મનપાની ટીમ પર સ્થાનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમદાવાદના રાણીપમાં રવિવારે આજે રામજીભાઈ ખાડિયાની ચાલીમાં એ.એમ.સી અને પોલીસની ટીમ દબાણ દૂર કરવા પહોંચી હતી. જ્યાં દબાણ દૂર કરવા ગયેલી પોલીસ અને મનપાની ટીમ પર સ્થાનિક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. દબાણ દૂર ન કરવા દેવાના પ્રયાસ રૂપે સ્થાનિકો દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. આ સિવાય પી.એસ.આઈનો કોલર પકડી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ અન્ય પરિવારજનોએ આત્મહત્યાની પણ ધમકી આપી હતી. સમગ્ર મામલે એ.એમ.સીના ટીડીઓ ઇન્સ્પેક્ટર કેતન પ્રજાપતિ દ્વારા આ મામલે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. પોલીસ ફરિયાદમાં એ.એમ.સી ટીમની કાર્યવાહીમાં અડચણ ઊભી કરવી તેમજ હુમલો કરવાના મામલે બે મહિલા સહિત કિરણ ઠાકોર, આશિષ ઠાકોર, કાંતિજી ઠાકોર એમ કુલ પાંચ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ, સમગ્ર મામલો થાળે પડી ગયો છે અને તંત્ર દ્વારા ફરી દબાણ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.