અમદાવાદ- આધુનિક સમયના જ્ઞાનવિજ્ઞાનની ઉચ્ચકક્ષાએ આવી રહેલા સમયમાં ઓટોમેશન આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગની બોલબાલા જોવા મળવાની છે. જેને લઇને વિદ્યાર્થીઓને લેટેસ્ટ અપડેટ આપવા જીટીયુમાં ગુજકોસ્ટ પ્રાયોજિત ત્રણ દિવસનો વર્કશોપ યોજાયો. જેમાં 110 વિદ્યાર્થીઓ-પ્રાધ્યાપકોએ ભાગ લીધો હતો.સ્માર્ટ સિટી અને ઓટોમેશનનો જમાનો આવી રહ્યો છે, ત્યારે આગામી થોડા વર્ષોમાં આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગની બોલબાલા વધશે, એવો મત નિષ્ણાતોએ વ્યક્ત કર્યો હતો. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુના ચાંદખેડા કેમ્પસમાં 110 વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બરોએ આ સંદર્ભે તાલીમ મેળવી. અમદાવાદ, સૂરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર સહિતના દિલ્હી, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક સહિતના અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ પણ આ લેટેસ્ટ તાલીમ મેળવવા આવ્યાં હતાં.
ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ-ટીસીએસના ડેટા આર્કિટેક્ટ અંકુર શર્માએ એવો મત વ્યક્ત કર્યો હતો કે આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ ભવિષ્યમાં આપણા જીવનનું અવિભાજ્ય અંગ બની જશે. તેનો ઉપયોગ વેબ સર્ચથી માંડીને કૉમ્પ્યૂટર બાયોલોજી, ફાઈનાન્સ, ઈ-કોમર્સ, અવકાશને લગતી બાબતો, રોબોટિક્સ, માહિતી મેળવવા, સોશિઅલ નેટવર્ક બનાવવામાં અને સમસ્યાઓ ઉકેલવામાં થશે. આમાંની ઘણી બાબતોનો આપણે અત્યારે અનુભવ કરી રહ્યા છીએ.
મશીન લર્નિંગ સીધીસાદી સમજ એટલે એટલે એવું ઓટોમેશન કે જેમાં અગાઉથી પ્રોગ્રામ કરેલા નહીં પણ આપણી જરૂરિયાત મુજબ કૉમ્પ્યુટરો કે સાધનસામગ્રીમાં પ્રોગ્રામિંગ થઈ જાય અને તે મુજબ તે ઉપકરણો કામ કરે એવું શક્ય બનશે. પરંપરાગત પ્રોગ્રામીંગમાં અગાઉથી નક્કી થયા મુજબના ડેટા અને પ્રોગ્રામ આધારિત આઉટપુટ કૉમ્પ્યુટરમાંથી મળતું. હવે મશીન લર્નિંગમાં ડેટા અને આઉટપુટ જેવું મેળવવું હોય તેના આધારે કૉમ્પ્યુટર પ્રોગ્રામ કરે એવી વ્યવસ્થા અમલમાં રહેશે. હવે પછી સોફ્ટવેર એન્જીનિયરોના કોડીંગ કૌશલ્ય, આંકડાશાસ્ત્રીઓના ગણિત અને અંકશાસ્ત્રના જ્ઞાન અને મશીન લર્નિંગના ખાસ જ્ઞાનનો સમન્વય થાય એવા ડેટા સાયન્સનું મહત્ત્વ વધશે.
આ બંને બાબતો આગામી થોડા વર્ષોમાં તમામ વ્યક્તિઓના રોજબરોજના જીવનમાં અસરકર્તા બની જશે. હાલમાં જે સાધનસામગ્રી આપણે ઉપયોગમાં લઈએ છીએ તેમાંથી એક જ વાતનું ઉદાહરણ કે અત્યારે વપરાતી બાયોમેટ્રિક સિસ્ટમ કે જેમાં વ્યક્તિના ફિંગરપ્રિન્ટ લેવામાં આવે છે અને તેના પરથી સમગ્ર સ્ટાફનો ડેટાબેઝ તૈયાર થઈ જાય છે. વર્ષ 2020માં ઇન્ટરનેટ ઓન થિંગ આવી જતાં ઓટોમેશન વધુ મહત્વપૂર્ણ બની જશે.