અમદાવાદનો શીલજ વિસ્તાર…. દિવસે ન વધે એટલો રાતે વધે….અને રાતે ન વધે એટલો દિવસે વધે એ રીતે સતત વિકાસ પામતો શહેરની હરણફાળમાં અગ્રેસર રહેતો વિસ્તાર બની રહ્યો છે.ગ્રામ્ય વાતાવરણ સાથે ગગનચુંબી ઇમારતો અહીં આકાર પામી રહી છે. શહેરથી દૂર અને શાંત વાતાવરણમાં રહેવાનું તો સહુને ગમે….પણ ત્યાં રહેવા જતા લોકોને મનમાં એક સાહજિક પ્રશ્ન એ પણ થાય કે ત્યાં વસવાટ કરવાથી બાળકોના અભ્યાસ માટે તો પાછું શહેર તરફ જ આવવું પડશે ને..!!!!! અને એના જવાબમાં રાજય સરકારે શીલજ અને તેની આસપાસના વિસાતારોમાં વસતા અનેક બાળકોના ભવિષ્યનો વિચાર કર્યો. અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા શીલજની જુની પ્રાથમિક શાળાને રૂ.૧.૩૮ કરોડના ખર્ચે નવનિર્મિત કરીને અનુપમ શાળા- સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી. અનુપમ પ્રાથમિક શાળામાં 679 કરતાં વધુ બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે.
ગુજરાતના પ્રથમ મહિલા પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબહેન પટેલે તા.૮ એપ્રિલ ૨૦૨૨ ના રોજ આ શાળાનું લોકાર્પણ કરીને બાળકોને માટે શિક્ષણના દ્વાર ખોલી આપ્યા હતા. તેમણે ઉપસ્થિત શિક્ષકમિત્રોને જણાવ્યુ કે બાળકોમાં રહેલી નૈસર્ગિંક શક્તિઓ વિકસાવવા માટે તેમનામાં જિજ્ઞાસા ઉત્પન્ન થાય તેવું વાતાવરણ પુરું પાડવૂં જોઇએ, કારણકે બાળકમાં શીખવાની ભારે ક્ષમતાઓ રહેલી હોય છે અને આપણે તેને માત્ર તેનો રસ્તો જ બતાવવાનો હોય છે.
સ્માર્ટ પ્રાથમિક શાળામા ધો.૧ અને ૨ ના બાળકોને રમતા-રમતાં ભણવાનો ઉદ્દેશ સાકાર કરવા માટે જોયફૂલ લર્નિંગના ક્લાસ બનાવવામાં આવ્યા છે. દરેક બાળકને એ મુજબ શૈક્ષણિક કિટમાં રમકડાથી ભણાવવામાં આવે છે. કલરફૂલ સરસ બેઠક વ્યવસ્થા સાથે દિવાલો પર માસના નામ, વાહનો,પશુ-પંખીઓની ઓળખ, રૂતુઓના નામ, ગણિતમાં ચડતાં-ઉતરતા ક્રમના આંકડાઓ અને ટેબલનું સુંદર ચિત્રકામ કરવામાં આવ્યું છે. આમ બાળમાનસને શિક્ષકો દ્વારા જ્ઞાન સાથે ગમ્મતના ચિત્રો થકી ભણતરની સમજણ આપવામાં આવે છે. તથા શાળામાં બાળકોને રમતગમતની પ્રવૃતિઓ માટે મોકળુ મેદાન મળી રહે તેનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે.
શાળાનાં બે માળના રચાયેલા વર્ગખંડમાં જવા માટે બનાવવામાં આવેલા તમામ પગથિયાઓ પર ગુજરાતી અને અંગ્રેજીમાં ૧ થી ૧૦૦ સુધીનાં આંકડાંઓ અને ABCD લખવામાં આવી છે. જેને બાળકો રમતા રમતાં પગથિયા ચડતા જાય અને બોલતા જાય સાથે શીખતા જાય છે. તથા શાળાની દિવાલોને શૈક્ષણિક અને વૈજ્ઞાનિક માહીતીસભર વાર્તાઓથી સુંદર કલાત્મક ચિત્રસભર બનાવવામાં આવી છે.
શાળામાં ધો.પ થી ૮ ના વિધાર્થીઓ માટે ૪ સ્માર્ટ ક્લાસ અને એક ગુગલ ફીચર કલાસ બનાવવામાં આવ્યા છે. આ પ્રકલ્પ અંતર્ગત દરેક વિધાર્થીઓને ભાર વિનાના ભણતરના ભાગરૂપે ગુગલ સાથે ટાઈઅપ કરીને ગુગલ ફીચર ક્લાસમાં વિધાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવે છે.જેમાં સમગ્ર ક્લાસરૂમને અધ્યતન બનાવવા માટે પ્રોજેકટર, કેમેરા અને વાઇફાઇ સાથે કનેક્ટ કરવામાં આવ્યા છે. વિધાર્થીઓ લેપટોપ પર જ તેમનું અભ્યાસકાર્ય અહીં કરે છે.
આ ઉપરાંત આ શાળામાં ગણિત અને વિજ્ઞાનના પ્રયોગો માટે વિશેષ લેબોરેટરી પણ બનાવવામાં આવી છે.જ્યાં વિધાર્થીઓ માત્ર પુસ્તકમાં વાંચીને જ નહિ પણ તે વિષયનો જાતે પ્રયોગો કરીને સમજણ કેળવી શકે તેવું ઉત્તમ સગવડો ઉભી કરવામાં આવી છે.
શાળામાં ઉડીને આંખે વળગે તેવી એક ખાસ વાત એ છે કે અહીં એક વર્ગખંડની બહાર રામ હાટ અને ખોયા-પાયા નામના બે બોક્સ મુકવામાં આવ્યા છે. જેનો ઉપયોગ એ છે કે જે પણ વિધાર્થીના દફતરમાથી કોઇ પેન્સિલ, પેન રબર કે અન્ય ચીજ જો ખોવાઇ જાય અથવા ઘેરથી લાવવાનું ભૂલાઇ જાય તો તેઓ રામહાટમાથી જે વસ્તુ લઈ શકે છે અને શાળામાથી જો કોઇ બાળકોને આવી કોઇ વસ્તુઓ મળે તો તેઓ જઈને તે વસ્તુઓને ખોયા-પાયા નામના બોક્ષમાં મૂકી આવે છે.ત્યારબાદ શિક્ષકો ને જાણ કરવામં આવે છે અને શિક્ષક જે તે વર્ગખંડમાં તેની જાણ કરે છે.જેથી જે બાળકોની વસ્તુઓ ખોવાઇ હોઇ તે વસ્તુઓ અહીથી મેળવી શકે છે.
માત્ર પુસ્તકોનું જ જ્ઞાન નહિ પણ વિધાર્થીઓ અહીંથી ખરા અર્થમાં શીખીને, સમજીને અને જીવનમાં અભ્યાસનું અનુભવનું ભાથું બાંધીને ઉચ્ચ શિક્ષણ તરફ કદમ માંડે એ તમામ પ્રયતનો અહીનાં શિક્ષકગણ તરફથી કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2007-08થી અમદાવાદમાં સ્માર્ટ સ્કૂલ બનાવવાની શરૂઆત થઇ છે.જેમા અત્યાર સુધી અમદાવાદમાં 11 જેટલી સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી છે.