અમદાવાદ- લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકીય પક્ષો સીટોની ફાળવણીને લઈને બેઠકો કરી રહ્યાં છે, તેવામાં ગુજરાત ભાજપ માટે મોટા કહી શકાય તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યાં છે.
મળતી માહિતી મુજબ, રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને હાલના મધ્ય પ્રદેશના ગવર્નર આનંદી બહેન પટેલને લોકસભાની ચૂંટણી માટે મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતા છે. રાજ્યમાં 23મી એપ્રિલે થનારી લોકસભાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારાનો નામ નક્કી કરવાની કવાયત કરી છે, ત્યારે આગામી ચૂંટણીમાં ગાંધીનગરથી આનંદી બેનને લોકસભાની ચૂંટણી લડાવાવામાં આવે તેવી શક્યતાઓ છે.
એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેનને પરત ગુજરાત બોલાવાય તેવી શક્યતા છે. હાલ આનંદીબહેન પટેલ પાસે મધ્યપ્રદેશ અને ઝારખંડના રાજ્યપાલનો હવાલો છે. આ સમાચારના પગેલ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જોકે, હજુ સુધી આ અંગે ભાજપ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
ઉલ્લેખની છે કે રાજ્યની ગાંધીનગર લોકસભા બેઠક પરથી ગઈ ચૂંટણીમાં વિજયી બનેલા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના સ્થાને આનંદી બેનને ચૂંટણી લડાવવામાં આવે અને કેન્દ્રમાં લઈ જવામાં આવે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે.