રાજ્યના વાતાવરણમાં પલટો, માવઠાંની શક્યતાને પગલે ખેડૂતોમાં ચિંતા

અમદાવાદ- ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા માવઠું થાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે પણ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થવાના આગાહી કરી છે. માવઠાની આગાહીને લઈને ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની આગાહી કરી છે. ચાલુ સપ્તાહે રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવતા ઠંડીમાં થોડો વધારો થયો છે.

અમદાવાદમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. સામાન્ય રીતે માર્ચ સુધીમાં ગરમી શરું થઈ જતી હોય છે, પરંતુ આ વખતે શિયાળો લાંબો ચાલ્યો હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેતા વરસાદની શંકાઓ વર્તાઈ રહી છે.

બીજી તરફ માવઠું થાવાની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદથી સૌથી મોટું નુકસાન ખેડૂતોને થશે. હવામાન વિભાગની આગાહી બાદ ઉત્તર ગુજરાતના ખેડૂતોમાં પાકને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, હવે મસાલાની સીઝન આવી રહી છે ત્યારે જો કમોસમી વરસાદ થશે તો મોટું નુકસાન થાવની વેપારીઓને પણ બીક સતાવી રહી છે.

રાજસ્થાનમાં અપર એર સાઈક્લોન સર્ક્યુલેશ સર્જાવાને કારણે ત્યાં પણ વરસાદ થાય તેવી શક્યતા છે. વાદળછાયા વાતાવરણને પગલે મોડી રાત્રે અને વહેલી સવારે તાપમાનમાં ઘટાડો અનુભવાઈ રહ્યો છે.