રાજકોટ જિલ્લા પોલીસને સુરતથી આવતી વખતે અકસ્માત નડ્યો. LCB પોલીસની ટીમ સુરતથી આરોપીને લઈ જઈ રહ્યા હતા. આરોપીને રાજકોટ લાવતી વખતે નાના બોરસરા ગામ નજીક આઈશર ટેમ્પાએ પોલીસની કારને પાછળથી ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં એક પોલીસકર્મીનું મોત નીપજ્યું છે, જ્યારે એક આરોપી સહિત ત્રણ પોલીસકર્મી ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
સુરતના નાના બોરસરા ગામ નજીક રાજકોટ પોલીસની કાર અને આઈશર ટેમ્પા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘટના સ્થળે લોકો એકઠા થયા હતા અને પોલીસ કારમાં બેઠેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં એક પોલીસકર્મીનું મોત અને ચાર લોકો ઈજાગ્રસ્ત થતા તેમને અંકલેશ્વરની જયાબા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. અકસ્માતની ઘટનામાં પોલીસકર્મી દિગ્વિજયસિંહ રાઠોડનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ પોલીસકર્મી ઘનશ્યામસિંહ મહિપતસિંહ જાડેજા, દિવ્યેશ દેવાયતભાઈ સુવા, અરવિંદસિંહ દાનુભા જાડેજા સહિત એક આરોપી વિજય ઉર્ફે વાજો કાનજીભાઈ પરમાર ઈજાગ્રસ્ત થયા છે.